Thursday, November 5, 2026
Homeરાજ્યજામનગર"સ્ક્રીન ટાઇમ ઘટાડો, બૂક ટાઇમ વધારો” : આકર્ષક પ્રેરણાદાયી રંગોળી - VIDEO

“સ્ક્રીન ટાઇમ ઘટાડો, બૂક ટાઇમ વધારો” : આકર્ષક પ્રેરણાદાયી રંગોળી – VIDEO

જામનગરના રિદ્ધિ શેઠે સામાજિક સંદેશ સાથે બનાવી રંગોળી : 15 દિવસને મહેનત બાદ રંગોળીનું નિર્માણ

દિવાળી પર્વની શ્રૃંખલાનો પ્રારંભ થયો છે. દિવાળીના પર્વ દરમ્યાન શહેરીજનો ઘરઆંગણે આકર્ષક રંગોળી તૈયાર કરતા હોય છે. ત્યારે જામનગરના મહિલા દ્વારા સામાજિક સંદેશ સાથે આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેને રિબિન કાપી લોકો નિહાળી શકે તે માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

- Advertisement -

પ્રકાશનું પર્વ એવા દીપાવલિના તહેવારની શ્રૃંખલાનો પ્રારંભ થઈ ચૂકયો છે. દિવાળીના પર્વને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છવાયા છે. દિવાળીના પર્વ દરમ્યાન લોકો ઘરઆંગણે રંગોળી કરે છે તેમજ રાતના સમયે દીવડા પ્રગટાવે છે. ત્યારે જામનગર શહેરમાં વાલકેશ્ર્વરીમાં શ્રીપતિ એપાર્ટમેન્ટમાં રહેતાં રિદ્ધિબેન શેઠ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવસોની જહેમત બાદ આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. હાલના સમયમાં મોબાઇલનું વળગણ બાળકોથી લઇ યુવાનોમાં ખૂબ વધ્યું છે. ત્યારે મોબાઇલની ઘેલછા વચ્ચે બાળકોને પુસ્તક વાંચન તરફ વાળવાના સંદેશ સાથે રિદ્ધિબેન દ્વારા “બી ઓન ધ સ્ક્રીન” થીમ સાથેની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીમાં આપણી માનસિક સીમાઓને બાંધનાર મોબાઇલની સ્ક્રીનને તોડી પુસ્તકો વાંચનની કલાકૃતિ રંગોળીના માધ્યમથી રજૂ કરી છે. જેમાં રિદ્ધિબેને તેમના પુત્ર વ્યોમનું પોટ્રેટ બનાવ્યું છે. તેમના પુત્રને વાંચનનો ખૂબ જ શોખ છે. અત્યાર સુધીમાં લગભગ આઠ હજાર જેટલા પુસ્તકો વાંચ્યા છે. તેને લઇને જ આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

- Advertisement -

રિદ્ધિબેન જામનગરમાં છેલ્લા પંદર વર્ષથી સામાજિક સંદેશ સાથે ઘ્યાનાકર્ષક રંગોળી બનાવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ રંગોળી તૈયાર કરી છે. જેમાં વિશ્વમાં તમામ ઉમરના લોકો દ્વારા વધતા જતા ડિઝિટલ સ્ક્રીનના ઉપયોગને ઘટાડી વાસ્તવિકતાની દુનિયામાં ડૂબકી લગાવવા આહ્વાન કરતાં સંદેશને ઉજાગર કરવામાં આવ્યો છે. આ કળા પાછળ માત્ર સંદેશ આપવા સુધીની વાત મર્યાદિત નથી, પરંતુ તેનું અનુકરણ પણ છે. આજે જ્યારે ડિઝિટલ સ્ક્રીનના કારણે પુસ્તકો અને વાંચનનો ભોગ લેવાઇ રહ્યો છે ત્યારે રિદ્ધિબેન શેઠના પુત્ર વ્યોમએ માત્ર 10 વર્ષની ઉંમરે અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ પુસ્તકોનું વાંચન કર્યું છે.

- Advertisement -

રિદ્ધિબેનએ માત્ર ચિરોડી કલરના ઉપયોગ વડે 15 દિવસની જહેમત બાદ 6X4 ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરી છે. આ કલાકૃતિનું કમ્પોઝિશન સ્માર્ટફોન અને વાસ્તવિક જ્ઞાન વચ્ચેનો વિરોધાભાસ અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરે છે. તેમાં આજના આધુનિક સ્માર્ટફોનની વાસ્તવિક ફ્રેમ દર્શાવીને આપણી ડિજિટલ દુનિયાની સીમિતતા બતાવાઈ છે. જેની અંદર બારી પાસે શાંત ચિત્તે બેસીને પુસ્તક વાંચતો કિશોર એકાગ્રતા અને જ્ઞાનનું પ્રતીક બને છે. આ રચનાનું સૌથી આકર્ષક પાસું એ છે કે, ખુલ્લું પુસ્તક મોબાઇલની સ્ક્રીનની સરહદો તોડીને બહાર 3ઉ સ્વરૂપે ઉપસી આવતું દેખાય છે. જે એ ગહન સંદેશ આપે છે કે, સાચું જ્ઞાન, કલ્પનાશક્તિ અને આંતરિક શાંતિ ડિજિટલ સ્ક્રીનમાં નહીં પણ પુસ્તકોના પાનાઓમાં સમાયેલી છે. તેથી માણસે પણ સ્ક્રીનની કૃત્રિમ મર્યાદાઓમાંથી બહાર નીકળીને અસલ વાચન સંસ્કૃતિ તરફ પાછા વળવું જોઈએ.

રિદ્ધિ શેઠ કહે છે કે, મારી આ કલાકૃતિ ડિજિટલ સ્ક્રીન પર વધતી જતી નિર્ભરતા અને આપણા રોજિંદા જીવનમાં વાંચનને પુન:જીવિત કરવાના મહત્વને રજૂ કરે છે. સ્માર્ટફોનની આધુનિક ટેક્નોલોજી આપણું ધ્યાન ભટકાવતા એવા પરિબળોનું પ્રતીક છે જે આપણો મોટાભાગનો સમય લઈ લે છે, જ્યારે ખુલ્લું પુસ્તક વાંચતી યુવા વ્યક્તિ જ્ઞાન, કલ્પનાશક્તિ અને એકાગ્રતાનું પ્રતીક છે. આ કલાકૃતિ દર્શકોને બિનજરૂરી સ્ક્રીન સમય ઘટાડવા, વાંચનના આનંદને ફરીથી માણવા અને પોતાના ઉપકરણો (ગેજેટ્સ)થી પર રહેલી વાસ્તવિક દુનિયા સાથે ફરી જોડાવા માટે પ્રેરિત કરે છે. કવિ ઝવેરચંદ મેઘાણી કહે છે કે ખાલી હવામાં સવારો જેમ ધ્વનિ ઉપજાવી શૂન્ય વાતાવરણને રમ્ય બનવે છે તેમ આ રંગોળીની કળા અંતરના વિચારને સર્જનનું મધ્યમ બનાવે છે.

આ આકર્ષક રંગોળીનું આઇટીઆરએ-જામનગરના ડાયરેકટર પ્રોફેસર ડો. તનુજા નેસરીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ રંગોળીની સાથે સાથે એક ક્યુઆર કોડનું પણ નિર્માણ કરવામાં આવ્યો છે. જે ક્યુઆર કોડ સ્કેન કરતાં બાળકોને વાંચવા જેવા શ્રેષ્ઠ 10 પુસ્તકો તેમજ યુવાનોને વાંચવાલાયક 10 ઉત્તમ પુસ્તકોની યાદી દર્શાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular