જોડિયા તાલુકાના રસનાળ અને ટીંબડી ગામ વચ્ચે તળાવના કોઝવે પાસે ખેતર તરફ ભેંસો ચરાવવાની ના પાડયાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ખેડૂત ઉપર લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં રહેતા અને ખેતી કરતા રાજેશભાઇ જશાભાઇ ડાંગર (ઉ.વ.47) નામના ખેડૂતે બે સપ્તાહ પૂર્વે ટીંબડીના પ્રવીણને ખેડૂતના ખેતર તરફ ભેંસો ચરાવવાની ના પાડી હતી. જે બાબતનો ખાર રાખી પ્રવીણ દેવીપુજક અને બચુ દેવીપુજક નામના બે શખ્સોએ ગત્ તા. 03ના રોજ મોડીસાંજના સમયે ટીંબડી ગામના તળાવના કોઝવે પાસે રાજેશભાઇ પાસે બાઇક પર આવી જેમ ફાવે તેમ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કર્યા બાદ લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ કે. ડી. જાડેજા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


