ધ્રોલ ગામમાં વાળંદ શેરીમાં રહેતાં મહિલાએ તેણીના ઘરે અગમ્ય કારણોસર શરીર ઉપર કેરોસિન છાંટી, દીવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં જૈન દેરાસર સામે આવેલી વાળંદ શેરીમાં રહેતાં ચેતનાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.45) નામના મહિલાએ ગઇકાલે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેણીના ઘરે અગમ્ય કારણોસર શરીર ઉપર કેરોસિન રેડી દીવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ કિશોરભાઇ દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. સી.જે.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મહિલાના અગ્નિસ્નાન પાછળનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


