કલ્યાણપુરના ખાખરડામાં કૂવો બાંધવાનું કામ કરતી વેળાએ યુવાન પર પથ્થર પડતાં ચગદાઇ જવાથી તેનું મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. ઓખાના આરકે બંદર વિસ્તારમાં રહેતા અને માછીમાર તરીકે કામ કરતાં પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા અભાભાઈ પેથાભાઈ નકુમ (ઉ.વ.47) નામના સતવારા યુવાન ગઈકાલે બુધવારે ખાખરડા ગામની સીમ વિસ્તારમાં રહેતા આસામીની વાડીમાં રહેલા કુવાની અંદર કૂવો બાંધવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે ઉપરથી ચરખીના ચરિયાનો બોલ તૂટી જતા આ ચરીયું નીચે એક બેલા પર પડ્યું હતું. જેથી વજનદાર બેલું અભાભાઈ નકુમના માથા પર પડતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના નાનાભાઈ ફોગાભાઈ પેથાભાઈ નકુમએ જાણ કરતાં કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.
અન્ય એક બનાવમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા અને આર.કે. બંદર વિસ્તારમાં રહી અને માછીમારીનું કામ કરતા ગાંડાભાઈ પોલાભાઈ સોલંકી (ઉ.વ. 58) નામના પ્રૌઢને ઓખાથી 30 નોટિકલ માઈલ દૂર દરિયામાંથી બોટમાં માછીમારીની જાળ પરત ખેંચતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે પરબતભાઈ ભીમાભાઈ સોલંકીએ જાણ કરતાં ઓખા મરીન પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


