દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ચોખંડા ગામે આવેલી રાસકારી જમીનમાં કથિત ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાના સમાચાર પ્રસારિત કરાયા બાદ પત્રકાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ચોખંડા ગામે રાસકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાના અહેવાલ પત્રકાર રાજુ મોઢવાડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારથી નારાજ થઈ ખનન સાથે સંકળાયેલા ત્રણ શખ્સો દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પત્રકાર રાજુ મોઢવાડિયા દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સૌથી ગંભીર બાબત એ છે કે ગેરકાયદેસર ખનન જેવી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવતા પત્રકારો પર જ હુમલાની ઘટનાઓ સામે આવતી હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?
View this post on Instagram
શું ભાણવડ પંથકમાં ખનીજ માફિયાઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી? શું ગેરકાયદેસર ખનન સામે અવાજ ઉઠાવનારાઓને હવે નિશાન બનાવવામાં આવશે? હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે કેટલા સમયમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે છે અને ચોખંડા ગામે ચાલતા કથિત ગેરકાયદેસર ખનન અંગે સંબંધિત ખાણ-ખનીજ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે.


