જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં મહિલાને જમવાની બાબતે તેના સગા ભાઈએ ઘરમાં આવી લોખંડની કડી વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા શ્રીરામ એવન્યૂ બિલ્ડિંગના ચોથા માળે 402 નંબરના ફલેટમાં રહેતા વિશાબેન લક્ષ્મીદાસ બગલ (ઉ.વ.41) નામના મહિલા ગત રવિવારે તા.1 ના રોજ બપોરના સમયે તેમના ઘરે હતાં ત્યારે તેના જ સગાભાઇ મનિષ લક્ષ્મીદાસ બગલ જમવાની બાબતે બહેનને જેમ ફાવે તેમ ગાળો કાઢી હાથમાં પહેરેલી લોખંડની કડી વડે મોઢા ઉપર, શરીરે તેમજ માથાના ભાગે આડેધડ માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી આંખમાં તથા શરીરે ઈજાઓ પહોંચાડી હતી અને આ બાબતે ફરિયાદ કરશો તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ભાઈ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હેકો વી.એમ. રાવલ તથા સ્ટાફે મનિષ બગલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


