Saturday, October 31, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના વડત્રામાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો

ખંભાળિયાના વડત્રામાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો

ઇન્ચાર્જ મામલતદારની ફરિયાદ પરથી વડત્રાના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે આશરે રૂ. 11 લાખની કિંમતની સરકારી ખરાબાની જમીન પર વર્ષોથી ગેરકાયદે કબજો જમાવી ખેતી કરવામાં આવતી હોવાના મામલે વડત્રા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ખંભાળિયાના ઇન્ચાર્જ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગતો મુજબ, ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા જેઠાભાઈ લખમણભાઈ નંદાણિયા સામે સરકારી ખરાબાની જમીન પર અનધિકૃત કબજો કરી ખેતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વડત્રા ગામની રૂ. 11 લાખ જેટલી કિંમતની કુલ 2 હેક્ટર, 33 આર અને 73 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ સાથે વધુ વિગત મુજબ, સંબંધિત સરકારી જમીન પર વર્ષ 1980 થી અનધિકૃત કબજો હોવાનો મામલો સામે આવ્યો હતો. આ અંગે અગાઉ મહેસૂલી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જમીન પરના દબાણને દૂર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, આ હુકમ સામે અપીલ કરવામાં આવતાં સમગ્ર મામલો લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયામાં હતો.

- Advertisement -

આ પ્રકરણમાં અગાઉ 13 ડિસેમ્બર, 2024ના દબાણ દૂર કરવા અંગે હુકમ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કરવામાં આવેલી અપીલ 8 ઓક્ટોબર, 2025ના નામંજૂર કરવામાં આવી હતી અને અગાઉનો હુકમ યથાવત્ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સરકારી જમીન પરના કબજા અંગેની વિગતો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

સંબંધિત દસ્તાવેજો અને મહેસૂલી કાર્યવાહી બાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આથી ખંભાળિયાના ઇન્ચાર્જ મામલતદાર વી.બી. વ્યાસે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વડત્રા ગામના જેઠાભાઈ લખમણભાઈ નંદાણિયા તથા તપાસમાં ખુલનારા અન્ય વ્યક્તિઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular