જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી યુવા પેઢીને બરબાદ કરતાં નશીલા પદાર્થનું વેચાણ બેરોકટોક જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ બદી ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન જામનગરના એમ. પી. શાહ ઉદ્યોગનગર, ધરારનગર વિસ્તારમાંથી એ.એન.ડબલ્યુ.ની ટીમે 6.63 ગ્રામ બ્રાઉન હેરોઈન સાથે શખ્સને દબોચી લીધો હતો.
સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા હાલારમાં યુવા પેઢીને બરબાદ કરતા નશીલા પદાર્થની બેરોકટોક હેરાફેરી અને વેચાણ થતું રહે છે. જો કે, પોલીસની સતર્કતાને કારણે સમયાંતરે પંથકમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળે છે. પરંતુ પેઢીઓને બરબાદ કરતી આ સદંતર ડામવામાં પોલીસને હજી સફળતા સાંપડી નથી. દરમ્યાન જામનગર શહેરના ધરારનગર, એમ. પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં સંત કબિર આવાસના બ્લોક નંબર બી, રૂમ નંબર 211માં રહેતાં શાહરૂખ સલીમ વાંઢા (ઉ.વ.28) નામના ગેરેજ સંચાલકના ઘરે બ્રાઉન હેરોઇનનો જથ્થો વેચાણ માટે આવ્યો હોવાની એ.એન. ડબલ્યુ.ના એએસઆઇ ગિરિરાજસિંહ જાડેજા, પો.કો. પરેશસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી ડો. રવિ મોહન સૈનીના નેજા હેઠળ પીઆઇ ડી. બી. પટેલ, એએસઆઇ એમ. એલ. ઓડેદરા, ગિરિરાજસિંહ જાડેજા, પો.કો. પરેશસિંહ જાડેજા, અજયભાઇ વરૂ, હરવિજયસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન પોલીસની ટીમે શાહરૂખના મકાનમાંથી તલાશી લેતાં રૂા. 1,32,600ની કિંમતનું 6.63 ગ્રામ બ્રાઉન હેરોઇન મળી આવતાં પોલીસે રૂા. 10 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન અને રૂા. 20 હજારની કિંમતનું બાઇક સહિત કુલ રૂા. 1,62,600ના મુદ્ામાલ સાથે શાહરૂખ સલીમ વાંઢાની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતાં ગાંજાનો આ જથ્થો મોરબી જિલ્લાના વાંકાનેરમાં રહેતાં હાર્દિક પાસેથી મંગાવ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


