Thursday, October 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરની મગફળીની તમિલનાડુમાં ભારે માંગ! વાવેતરના બિયારણ માટે સૌરાષ્ટ્રની મગફળી ખરીદવા વેપારીઓનો...

જામનગરની મગફળીની તમિલનાડુમાં ભારે માંગ! વાવેતરના બિયારણ માટે સૌરાષ્ટ્રની મગફળી ખરીદવા વેપારીઓનો ધસારો – VIDEO

૯ અને ૬૬ નંબરની મગફળીની સૌથી વધુ માંગ

સૌરાષ્ટ્ર અને કચ્છની મગફળીની ગુણવત્તા અને વાવેતર માટેની માંગને પગલે જામનગર માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુના વેપારીઓની આવ્યા છે. ખાસ કરીને તમિલનાડુમાં આગામી વાવેતરની સીઝન માટે બિયારણ તરીકે ઉપયોગમાં લેવાતી મગફળીની ખરીદી કરવા વેપારીઓ જામનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં પહોંચી રહ્યા છે. જામનગર યાર્ડમાં ૯ નંબર અને ૬૬ નંબરની મગફળીની ખરીદી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં ખેડૂતોને મગફળીના પ્રકાર અને ગુણવત્તા પ્રમાણે પ્રતિ ૨૦ કિલોના આશરે ₹૧,૭૦૦થી ₹૨,૭૦૦ સુધીના ભાવ મળી રહ્યા છે.

- Advertisement -

તમિલનાડુના વેપારીઓ મુખ્યત્વે વાવેતર માટે યોગ્ય મગફળીની ખરીદી કરી રહ્યા છે. જામનગર, રાજકોટ, ભુજ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઉત્પાદિત થતી મગફળીની તમિલનાડુના બજારમાં સારી માંગ રહેતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ખાસ કરીને ૯ નંબર (જી-૯) અને ૬૬ નંબરની મગફળી બિયારણ તરીકે ઉપયોગમાં લેવા માટે પસંદ કરવામાં આવે છે. આથી મગફળીની ગુણવત્તા, દાણા અને તેની વાવેતરલાયક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને વેપારીઓ ખરીદી કરી રહ્યા છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં તમિલનાડુના આશરે ૩૦ જેટલા વેપારીઓ મગફળીની ખરીદી કરી રહ્યા હોવાનું જણાવાયું છે. બીજી તરફ, સમગ્ર ખરીદીની સીઝન દરમિયાન તમિલનાડુ ઉપરાંત પોંડીચેરી, પનરુટી, કડલૂર અને આલંગુડી સહિતના વિસ્તારોમાંથી અંદાજે ૧૫૦ જેટલા વેપારીઓ સૌરાષ્ટ્ર અને કચ્છના બજારોમાં મગફળી ખરીદવા માટે સક્રિય રહેતા હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

હાલમાં જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ ૨૦ કિલોના આશરે ₹૧,૭૦૦થી ₹૨,૭૦૦ સુધી ચાલી રહ્યા છે. મગફળીની ગુણવત્તા, દાણાની સ્થિતિ અને માલના પ્રકાર પ્રમાણે વેપારીઓ ભાવ નક્કી કરી રહ્યા છે. સારા અને મધ્યમ ગુણવત્તાના માલના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. બિયારણ માટેની મગફળીની માંગને કારણે ચોક્કસ જાતના માલની ખરીદીમાં વેપારીઓ વિશેષ રસ દાખવી રહ્યા છે.

- Advertisement -

મગફળીની ખરીદીની સીઝનમાં આગામી દિવાળીના તહેવાર બાદ તમિલનાડુના વેપારીઓની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર વર્ષે તમિલનાડુના વેપારીઓ જામનગર માર્કેટિંગ યાર્ડમાંથી અંદાજે એક લાખથી ૧.૨૫ લાખ ગુણી મગફળીની ખરીદી કરતા હોવાનું જણાવાય છે. આ ખરીદીથી જામનગરના મગફળીના વેપારને વેગ મળે છે અને ખેડૂતોને સ્થાનિક બજાર ઉપરાંત અન્ય રાજ્યોના વેપારીઓ સુધી પોતાની ઉપજ વેચવાની તક મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular