જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં ભાઈને ખોટા વ્યસનએ ચઢાવતા બે શખ્સોએ યુવાન ઉપર જેમ ફાવે તેમ ગાળો કાઢી ઈંટ તથા લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતાં નિલેશ ગિરધરભાઈ રાઠોડ નામના યુવાનના ભાઇને સાહિલ કૈલાસ ગોહિલ તથા મિત રાજુ ગોહિલ નામના બે શખ્સો ખોટા વ્યસને ચઢાવતા હોવાથી ભાઈને અવડા રસ્તે ન ચઢવા દેવા માટે સાહિલની દુકાને ગયેલા નિલેશ ઉપર સાહિલ તથા મિત નામના બે શખ્સોએ જેમફાવે તેમ ગાળો કાઢી ઈંટ તથા લાકડાના ધોકા વડે માર મારી હુમલો કર્યો હતો તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ એસ.એમ. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


