જામનગર તાલુકાના હાપા રેલવે કોલોની કવાર્ટરમાં રહેતો યુવાન નોકરી પરથી સસ્પેન્ડ થયા બાદ ગુમસુમ રહેતો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા તેના ઘરે પંખાના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં રેલવે કોલોની કવાર્ટર નંબર 24/એ માં રહેતાં રવિ ચંદ્રપ્રકાશ કોટાઈ (ઉ.વ.30) નામના કર્મચારીને તેની નોકરી પરથી દોઢ માસ અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને નોકરી પરથી સસ્પેન્ડ થયા બાદ ગુમસુમ રહેતો હતો. સસ્પેન્ડ થયાનું મનમાં લાગી આવતા રવિએ ગત્ તા.24ના સાંજના સમયે તેના ઘરે રૂમના પંખાના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની કાજલબેન દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઈ એસ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


