વાંકિયા ગામ નજીકથી પસાર થતાં બાઇક ચાલક યુવાનને ભૂંડ આડુ ઉતરતા મોટરસાયકલ સ્લીપ થતાં ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોરાર સાહેબ ખંભાલિડા ગામમાં રહેતાં દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.24) નામના યુવાન ગત્ તા. 26 સપ્ટેમ્બરના ધ્રોલ બંધન બેન્ક ખાતેથી પોતાની નોકરી પૂર્ણ કરી જીજે10 ડીબી 3792 નંબરનું મોટરસાયકલ લઇ પોતાના ઘરે પરત જઇ રહ્યાં હતાં. આ દરમ્યાન વાંકિયા ગામથી આગળ ભીમનાથ મહાદેવ મંદિર પાસે પહોંચતા ભૂંડ આડું ઉતરતા તેનું મોટરસાયકલ સ્લીપ થયું હતું. અકસ્માતમાં બાઇક ચાલક યુવાન રોડ પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવારઅર્થે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તા. 19 ઓકટોબરના તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા પોલીસને જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


