જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં જૂની બોલાચાલી મામલે સમાધાન કરી આવ્યા બાદ બે જૂથ વચ્ચે સામસામા કરાયેલા હુમલામાં અડધો ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બન્ને પક્ષની સામસામા હુમલા અને ધમકીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સામસામી મારામારીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતાં ઉમેશભાઇ રણછોડભાઇ લોલડિયા (ઉ.વ.28) નામના યુવાનના મિત્ર મયૂરને ગોકુલનગરમાં અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થયા બાદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત્ તા 17ના રોજ રાત્રિના સમયે યુવાનનો મિત્ર મયૂર તથા તેની પત્ની કિરણબેનને નીતિન અશોક શિંગાળા, હિતેષ અશોક શિંગાળા, દિનેશ શરદ શિંગાળા, કારો ઉર્ફે બાપા સિતારામ મકવાણા નામના ચાર શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ઉમેશભાઇ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં મયૂર તથા ઉમેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી.
જ્યારે સામાપક્ષે હિતેષ અશોક શિંગાળા તેના ઘરે જતો હતો ત્યારે ઉમેશ રણછોડ લોલડિયા, રિતેશ ઉર્ફે રીટો રણછોડ લોલડિયા, મયૂર રાજેશ બાવરિયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી, બોલાચાલી અને ઝઘડો કરી પાવડા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસ દ્વારા ઉમેશની ચાર શખ્સો સામે અને હિતેષની ત્રણ શખ્સો સામે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.


