જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં બાઇક અથડાવાની બાબતે ચાર શખ્સોએ બે યુવાન ભાઇઓ ઉપર છરીનો ઘા ઝીકી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ન્યુ જેલ પાછળ આવેલી ભરવાડ ફળીમાં રહેતા હરીશભાઇ બોદુભાઇ જાદવ (ઉ.વ.28) નામનો યુવાન રવિવારે રાત્રીના સમયે તેના બાઇક પર ઘરે જતો હતો ત્યારે 45 દિગ્વીજય પ્લોટના ખૂણે પહોંચ્યો તે સમયે બે અજાણ્યા બાઇક ચાલકો સાથે અથડાતા બચી ગયો હતો. અને ત્યારબાદ યુવાને બાઇક ઉભુ રાખતા નવાઝ તથા ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી હરીશને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો. તે દરમિયાન હરીશનો ભાઇ દિપક આવી ગયો હતો. ત્યારબાદ બે અજાણ્યા બાઇક ચાલકો મળી ચાર શખ્સોએ દિપકને જેમફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો અને નવાઝએ છરીનો ઘા કરવા જતાં હરીશે છરી પકડી લેતા હાથમાં ઇજા પહોંચી હતી. હુમલામાં ઘવાયેલા બન્ને ભાઇઓને સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી.આર. જોરીયા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


