જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતા યુવાન ઉપર ત્રણ મહિના પહેલાની માથાકુટનો ખાર રાખી બે શખ્સોએ લોખંડના પાઇપ વડે પિતા-પુત્ર ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના દ્વારકાપુરી મંદિર પાસે કિશાન ચોકમાં રહેતા કિશનભાઇ મહેશભાઇ વશીયર (ઉ.વ.22) નામના યુવકને ત્રણ માસ પહેલા સાગર દિલીપ ગજરા સાથે માથાકુટ થઇ હતી. તે બાબતનો ખાર રાખી સોમવારે સવારના સમયે સાગર દિલીપ ગજરા, ઇકબાલ યુસુફ ખફી નામના બે શખ્સોએ પૂર્વઆયોજીત કાવત્રુ રચી કિશન વશીયર અને તેના પિતા મહેશભાઇ વશીયરને જેમફાવે તેમ ગાળો કાઢી લોખંડના પાઇપ વડે આડેધડ હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને બન્ને પિતા-પુત્રને સમાધાન નહીં કરો તો મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એલ.કે. જાદવ તથા સ્ટાફે કિશનભાઇના નિવેદનના આધારે બે શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


