જામનગરના સિકકા નગરપાલિકાના બે કર્મચારીઓ દ્વારા મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે એક હજારની લાંચ માંગી એસીબી દ્વારા ગોઠવાયેલ છટકુ નિષ્ફળ જતાં ગુન્હો દાખલ કરાયો છે.
આ અંગેની વિગત મુજબ સિકકાના ફરિયાદીએ વર્ષ 2018માં મકાન ખરીદયુ હોય જે મકાનનો ટેકસ ભરી મકાનના દસ્તાવેજમાં પોતાના પત્ની તથા પોતાનું નામ ટ્રાન્સફર કરાવવાનું હોય જે નામ ટ્રાન્સફર કરી આપી એનઓસી આપવા સિકકા નગરપાલિકાના સિનીયર કલાર્ક કમ ટેકસ ઇન્સ્પેકટર (હાલ નિવૃત) અતુલકુમાર રમણીકભાઇ પંડયા તથા સિકકા નગરપાલિકા ટેકસ શાખાના કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક નિલેશકુમાર ભુદરદાસ મેસવાણીયાએ રૂા.1 હજારની લાંચની માંગણી કરી હતી. તા.7/3/2022 અને 8/3/2022ના રાજકોટ એસીબીના મદદનિશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ એસીબી પીઆઇ જામનગર એ.આર. ગોહિલ, એસીબી રાજકોટ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા દ્વારા ગોઠવાયેલ છટકામાં લાંચનું છટકુ નિષ્ફળ ગયું હતું. આ અંગે તા.19/9/2026ના એસીબી દ્વારા ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


