રાધાષ્ટમી પર્વ નિમિત્તે શનિવારે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશજીને રાધિકા સ્વરૂપનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. રાધિકાના અલૌકિક સ્વરૂપમાં શણગારાયેલા દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.
રાધાષ્ટમી ભાદરવા સુદ આઠમના દિવસે ઉજવાય છે અને વૈષ્ણવ પરંપરામાં તેને શ્રીરાધાજીના પ્રાગટ્ય દિવસ તરીકે વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. રાધા-કૃષ્ણની ઉપાસના, વ્રત અને પૂજનનું આ દિવસે વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણની વ્રજલીલામાં રાધાજીનું સ્થાન અવિભાજ્ય માનવામાં આવે છે. રાધાભાવને નિ:સ્વાર્થ પ્રેમ અને સંપૂર્ણ સમર્પણનું પ્રતિક ગણવામાં આવે છે. વિવિધ ધાર્મિક ગ્રંથો તથા વૈષ્ણવ પરંપરામાં પણ રાધાજીના મહિમાનો ઉલ્લેખ જોવા મળે છે.
દ્વારકાધીશના રાધિકા સ્વરૂપના દર્શનનો લાભ દેશ-વિદેશમાં વસતા કૃષ્ણભક્તોએ પણ વિવિધ ઓનલાઈન માધ્યમો થકી લીધો હતો. મંદિર પરિસર ‘રાધે-રાધે’ અને ‘જય દ્વારકાધીશ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.


