Thursday, September 10, 2026
Homeરાજ્યજામનગરગણેશોત્સવ પૂર્વે જામનગરમાં માટીના ગણેશજીની આકર્ષક મૂર્તિઓ તૈયાર, યુવા કલાકારની અનોખી પર્યાવરણલક્ષી...

ગણેશોત્સવ પૂર્વે જામનગરમાં માટીના ગણેશજીની આકર્ષક મૂર્તિઓ તૈયાર, યુવા કલાકારની અનોખી પર્યાવરણલક્ષી પહેલ – VIDEO

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર જામનગર સહિત રાજ્યભરમાં ગણેશજીની સ્થાપનાને લઈને તૈયારીઓ તેજ બની છે. બજારોમાં ગણેશજીની વિવિધ આકાર, સ્વરૂપ અને રંગની આકર્ષક મૂર્તિઓ જોવા મળી રહી છે. ગણેશોત્સવમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ લોકો સુધી પહોંચે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી ઈકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિઓ પ્રત્યે લોકોનો રસ સતત વધી રહ્યો છે. ત્યારે જામનગરના હાપા વિસ્તારમાં રહેતા યુવા કલાકાર સાગર પ્રજાપતિ અને તેમનો પરિવાર પરંપરાગત કારીગરીને પર્યાવરણપ્રેમી વિચાર સાથે જોડીને માત્ર માટીમાંથી સુંદર ગણેશમૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે.

- Advertisement -

સાગર પ્રજાપતિ છેલ્લા 15 વર્ષથી ગણેશમૂર્તિ બનાવવાની કામગીરી સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ માટીની મૂર્તિ બનાવવાની કળા પ્રત્યે તેમણે લગાવ રાખ્યો છે અને આજે તેમના પરિવારના સભ્યો પણ આ કામગીરીમાં ખભેખભો મિલાવીને સાથ આપી રહ્યા છે. પીઓપીની મૂર્તિઓની સરખામણીએ પર્યાવરણને અનુકૂળ એવી માટીની મૂર્તિઓ તૈયાર કરવાનો તેમણે સંકલ્પ લીધો છે. જેના કારણે ગણેશોત્સવના પર્વને ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાનો સુંદર પ્રયાસ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

સાગર પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવતી મૂર્તિઓમાં ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બુટવો માટી, ખેતરની કાળી માટી અને થાનની લાલ માટીનો સમાવેશ થાય છે. અલગ અલગ પ્રકારની માટીને યોગ્ય રીતે તૈયાર કરી ગણેશજીની મૂર્તિને મનમોહક આકાર આપવામાં આવે છે. મૂર્તિના દરેક અંગ અને આકારને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે, જેથી અંતિમ સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ જીવંત અને આકર્ષક દેખાય.

મૂર્તિ બનાવવાની કામગીરી માત્ર આકાર આપવા પૂરતી મર્યાદિત નથી. માટીને યોગ્ય આકાર આપ્યા બાદ તેમાં રહેલો ભેજ દૂર કરવા માટે મૂર્તિને દિવસો સુધી યોગ્ય જગ્યાએ રાખીને સુકવવામાં આવે છે. ત્યારબાદ ફિનિશિંગ વર્ક કરવામાં આવે છે. મૂર્તિના નાના-નાના ભાગોને પણ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં એક મૂર્તિ તૈયાર કરવામાં અંદાજે ચારથી છ દિવસનો સમય લાગી જાય છે.

- Advertisement -

માટીની મૂર્તિઓ તૈયાર થયા બાદ તેને આકર્ષક બનાવવા માટે ખાસ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. ગણેશજીના સ્વરૂપને અનુરૂપ રંગોની પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ મૂર્તિને વિવિધ આભૂષણોથી શણગારવામાં આવે છે. સાગર પ્રજાપતિ અને તેમનો પરિવાર મૂર્તિના નિર્માણથી લઈને રંગકામ, ફિનિશિંગ અને સુશોભન સુધીની સમગ્ર પ્રક્રિયા જાતે કરે છે. જેના કારણે દરેક મૂર્તિમાં તેમની મહેનત, કારીગરી અને સર્જનાત્મકતાની આગવી છાપ જોવા મળે છે.

ગણેશોત્સવ દરમિયાન મૂર્તિઓની માંગને પહોંચી વળવા માટે સાગર પ્રજાપતિ પરિવાર ચાર મહિના અગાઉથી જ મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરી દે છે. આ વર્ષે પણ અંદાજે બે હજાર જેટલી ગણેશમૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. એક ફૂટથી લઈને સાડા ત્રણ ફૂટ સુધીના વિવિધ કદમાં મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ આકાર, સ્વરૂપ, મુદ્રા અને રંગમાં તૈયાર થતી આ મૂર્તિઓ શ્રદ્ધાળુઓ અને આયોજકોનું ધ્યાન ખેંચી રહી છે.

મૂર્તિ નિર્માણની આ સમગ્ર કામગીરીમાં સાગર પ્રજાપતિ સાથે પરિવારના અન્ય સભ્યો પણ સતત જોડાયેલા રહે છે. પરિવારના ચાર સભ્યો દરરોજ અંદાજે 8થી 10 કલાક સુધી મહેનત કરીને મૂર્તિઓ તૈયાર કરે છે. માટીને આકાર આપવાથી લઈને મૂર્તિ સુકવવા, ફિનિશિંગ કરવા, રંગકામ કરવા અને આભૂષણોથી શણગારવા સુધીની કામગીરીમાં પરિવારની એકજૂટ મહેનત જોવા મળે છે. વ્યવસાયની સાથે પોતાની પરંપરાગત કળાને જીવંત રાખવાનો આ પરિવારનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય બની રહ્યો છે.

મૂર્તિના કદ અને તેની ડિઝાઇન પ્રમાણે રૂ.400થી લઈને રૂ.8 હજાર સુધીની ગણેશમૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. ગણેશોત્સવના આયોજકો તેમજ ઘરગથ્થુ સ્થાપના કરનારા શ્રદ્ધાળુઓ પણ હવે પર્યાવરણને નુકસાન ન થાય તેવા વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ગણેશોત્સવ દરમિયાન શ્રદ્ધા અને ઉત્સાહથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ પર્વની ઉજવણી બાદ મૂર્તિના વિસર્જનથી પર્યાવરણને નુકસાન ન થાય તે અંગે પણ હવે લોકોમાં જાગૃતિ વધી છે. પીઓપીની મૂર્તિઓના વિકલ્પ તરીકે માટીની મૂર્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સાગર પ્રજાપતિ જેવા યુવા કલાકારો પરંપરાગત કારીગરીને જાળવી રાખવાની સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ પણ આપી રહ્યા છે.

ગણેશજીની મૂર્તિ માત્ર એક કલાત્મક કૃતિ નહીં પરંતુ શ્રદ્ધાનું પ્રતિક છે. આવી મૂર્તિઓ તૈયાર કરવા કલાકાર અને તેમનો પરિવાર મહિનાઓ સુધી મહેનત કરે છે. સાગર પ્રજાપતિની આ કામગીરીમાં તેમની કળા પ્રત્યેની નિષ્ઠા, પરિવારનો સહકાર અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળે છે. ગણેશોત્સવની ઉજવણીમાં માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ વધે તે માટે તેમની આ પહેલ અન્ય કલાકારો અને શ્રદ્ધાળુઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular