જામનગરના અગ્રણી બિલ્ડર અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા મેરામણ પરમારે આપઘાત કર્યાના ચકચારી બનાવ બાદ દોઢ વર્ષ પછી તેના પુત્રએ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં પાંચ મહિલા સહિત અગિયાર વ્યાજખોરો વિરૂદ્ધ બિલ્ડરની 153 કરોડની મિલ્કતો પચાવી પાડી મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી.
વર્ષ 2016માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સાડા છ કરોડની રોલ્સ રોયની જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણ પરમાર દ્વારા ખરીદ કરવામાં આવી હતી. મિલનસાર સ્વભાવ અને ઉદાર દિલ એ મેરામણ પરમારની આગવી ઓળખ હતી. રીઅલ એસ્ટેટનું મોટું નામ એવા બિલ્ડર મેરામણ પરમારે જ્યારે 10 જાન્યુઆરી 2025ના રોજ અડાલજ રોડ પરથી પસાર થતા હતા ત્યારે એવું કહેવાય છે કે, ડ્રાઈવરને પાન લેવા મોકલીને પોતે ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ તબિયત બગડતા તેમને તાબડતોબ ગોતા-વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. એ વખતે તો પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદૃ 10 દિવસે તેમના પત્નીને ઘરમાંથી એક કવર મળ્યું જેમાં તેમના હાથે લખેલી 2 સ્યૂસાઈડ નોટ મળી હતી. આ સ્યૂસાઈડ નોટોથી મોટો ખુલાસો થયો હતો. આ અગાઉ પણ તેમણે 2020માં મોડી રાતે માંકડ મારવાની ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હોવાની માહિતી છે.
મૃતક બિલ્ડર મેરામણ પરમારના પુત્ર દેવ પરમાર કે જેઓ હાલ અમદાવાદમાં રહે છે તેમણે અડાલજ પોલીસ મથકમાં 11 આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર રચવા અને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. વ્યાજે લીધેલા નાણાની સામે કરોડો રૂપિયાની વસૂલાતનો આરોપ છે. વસૂલાત બાદ પણ માનસિક ત્રાસ આપતા બિલ્ડરે આ પગલું ભર્યું હતું. આ ઘટનાના 10 દિવસ બાદ બિલ્ડરના નિવાસ સ્થાનેથી બે સ્યૂસાઈડ નોટો મળી હતી. જેમાં કરોડો રૂપિયાના વ્યાજની વસૂલાત અને પ્રોપર્ટી લખાવી લેવાનો આરોપ લગાવ્યો હતો.
પહેલી સ્યૂસાઈડ નોટ કે જે ચાર પાનાની હતી તેમાં જામનગરના વ્યાજખોરો ભીખુભા હરીસિંહ વાઢેર અને તેમના પુત્રોએ વ્યાજની રકમ 3 ટકા વ્યાજ સાથે ચૂકવી હોવા છતાં સેટી માટેની મિલ્કત પરત ન આપતા હોવા અને છતાં વ્યાજવસૂલી કરી માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ હતો.
બીજી સ્યૂસાઈડ નોટમાં પ્રવીણ લક્ષ્મણભાઈ દોમડિયા અને તેમના પરિવારે ઢીચડાની નંદ વિદ્યા નિકેતન સ્કૂલની 50 ટકા મિલક્તનો દસ્તાવેજ સેટી પેટે કરાવ્યા બાદ સાડા ત્રણ કરોડ વધુ માંગણી કરીને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ છે. તમને જણાવી દઈએ કે મેરામણ પરમાર તેમની વૈભવી જીવનશૈલી માટે પણ જાણીતા હતા. તેમણે સૌરાષ્ટ્રની પહેલ વહેલી 6.5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી હતી. આ સિવાય પણ અનેક મોંઘી ગાડીઓનો તેઓ કાફલો ધરાવતા હતા. મૃતકની સ્યૂસાઈડ નોટ સામે આવતા તેમના પુત્ર દેવ પરમાર અને ભાગીદાર હરીશ ઓડેરાએ બેંક અને સબ રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી અને વ્યાજખોરોનો ભાંડો ફૂટ્યો. જે નાણા વ્યાજે લીધા હતા તેની સિક્યુરિટી અને જામીનગીરી પેટે વાઢેર પરિવારે જામનગર શહેર, લાખાબાવળ, મસિતીયા, નગરસીમ, ઢીચડા રાવલસર જેવા ગામની સીમમાં આવેલી લગભગ 28 જેટલી પ્રોપર્ટી જેમાં જમીનો અને પ્લોટોના વેચાણ દસ્તાવેજો પોતાના અને પરિવારની મહિલાઓના નામે કરાવ્યા હતા. દેવ પરમારે ગાંધીનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ભીખુભા હરિસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વીરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વીરેન્દ્રસિંહ વાઢેર, કાશ્મિરાબા ધવલસિંહ વાઢેર, પ્રવીણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર, પ્રવીણભાઇ લક્ષ્મણભાઇ દોમડિયા, કાંતાબેન પ્રવીણભાઇ દોમડિયા તથા વિશાલ પ્રવીણભાઇ દોમડિયા સહિતના વિરૂદ્ધ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે જામનગરના ઢીચડા ગામની નંદ વિદ્યા નિકેતન સ્કૂલની 7,021 ચો.મી. મિલકતમાં 50% હિસ્સો દોમડીયા દંપતીએ સિક્યુરિટી પેટે પોતાના નામે કરાવ્યો હતો. પાંચ વર્ષ સુધી કરોડોનું વ્યાજ ચૂકવ્યા બાદ પણ સ્કૂલની 100% મિલકતનો કબજા વગરનો કરાર પુત્ર વિશાલ દોમડીયાના નામે કરાયો હોવાનો આક્ષેપ છે. મૃતક મેરામણ પરમારના પુત્રએ નોંધાવેલી અગિયાર વ્યાજખોરો સામેની ફરિયાદે અરેરાટી ફેલાવી દીધી છે. ગાંધીનગર પોલીસે આ અગિયાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


