શ્રાવણ માસ એટલે ભગવાન ભોળેનાથની ભક્તિ અને આરાધનાનો પવિત્ર મહિનો. શ્રાવણના દરેક સોમવારે જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભોળેશ્વર મહાદેવના દર્શન માટે પગપાળા યાત્રા કરે છે. રવિવારે રાત્રીથી જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે પદયાત્રીઓ ભોળેશ્વર તરફ આગળ વધતા જોવા મળે છે.
જામનગરથી ભોળેશ્વર મહાદેવ સુધીની આ પદયાત્રા શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બની છે. અનેક ભક્તો પરિવાર અને મિત્રોના સમૂહ સાથે પગપાળા ભોળેશ્વર મહાદેવના દર્શન માટે નીકળે છે. શ્રાવણના સોમવારે પદયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોવાથી સમગ્ર માર્ગ પર ભક્તિમય માહોલ સર્જાય છે.
પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેમ્પોમાં ભક્તો માટે પાણી, ચા-નાસ્તો, ભોજન સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા દરમિયાન ભક્તોને થોડો સમય આરામ મળી રહે તે માટે પણ કેટલાક કેમ્પોમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાસ કરીને જામનગર-લાલપુર સ્ટેટ હાઇવે પર બાદશાહ સર્કલ, ચંગા ખાતે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ એસોસિએશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ભોળેશ્વર તરફ પગપાળા જતા પદયાત્રીઓ માટે ભજન સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સેવા કાર્યમાં અંદાજે 300 જેટલા સ્વયંસેવકો જોડાઈને પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરી તેમને પાણી, ભોજન અને અન્ય જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભક્તોની સેવા માટે મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાતા સેવાભાવનું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે.
શ્રાવણના સોમવારે જામનગરથી ભોળેશ્વર તરફ જતા માર્ગ પર એક તરફ ભક્તોની લાંબી કતારો અને બીજી તરફ સેવા કેમ્પોમાં જોવા મળતી સેવાકીય પ્રવૃત્તિઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. ભોળેશ્વર મહાદેવના દર્શનની આ પદયાત્રામાં યુવાનો, વડીલો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે. અનેક ભક્તો શ્રદ્ધા સાથે પગપાળા યાત્રા પૂર્ણ કરી ભોળેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર તરફ જતા માર્ગ પર માત્ર ભક્તિ જ નહીં પરંતુ સેવા અને સંસ્કારનું પણ અનોખું સંગમ જોવા મળી રહ્યું છે. પદયાત્રીઓની સેવા માટે સ્વયંસેવકો કલાકો સુધી ખડેપગે રહીને કામગીરી કરી રહ્યા છે.


