શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિથી જ ભક્તો સોમનાથ મંદિરની બહાર પહોંચવા લાગ્યા હતા અને વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર સંકુલના દરવાજા સવારે 3:00 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે સવારે 4:00 વાગ્યાથી ભક્તો માટે સોમનાથ મહાદેવના દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોમાં ભગવાન સોમનાથના દર્શન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સોમનાથ મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણના પવિત્ર સોમવારના દિવસે ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
View this post on Instagram
ભક્તોની સુવિધા માટે મંદિર તંત્ર દ્વારા વહેલી સવારે 3:00 વાગ્યાથી જ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સામાન કાઉન્ટર, પીવાના પાણી સહિતની સુવિધાઓ ભક્તો માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી.
શ્રાવણના બીજા સોમવાર નિમિત્તે ભગવાન સોમનાથની વિશેષ પૂજા-અર્ચના અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. હજારો ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
શ્રાવણના પવિત્ર સોમવારે સોમનાથમાં ઉમટેલા ભક્તોના ઘસારાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.


