જામનગર શહેરમાં નવી કોર્ટવાળા રોડ ઉપર વિશ્વકર્માની વાડી નજીક જાહેરમાં કચરો વિણતાં મહિલાને પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા બાઇક ચાલકે ઠોકર મારી હડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચતા મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઇન્દિરા કોલોની, ખેતીવાડી શેરી નંબર ચારમાં રહેતાં કલીબેન રાજુભાઇ ખીમસૂર્યા (ઉ.વ.47) નામના મહિલા રવિવારે સવારના સમયે જામનગરના નવી કોર્ટવાળા રોડ ઉપર વિશ્ર્વકર્માની વાડી નજીક કચરો વિણતા હતા. તે દરમ્યાન પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે10 ડીક્યુ 0453 નંબરના બાઇક સવારે કચરો વિણતી મહિલાને ઠોકર મારી હડફેટ લઇ પછાડી દીધી હતી. જેના કારણે મહિલાને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર ભરત દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઇકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


