જામનગરમાં એક શખ્સે પોતાની સાથે પ્રેમ સંબંધમાં રહેલ મહિલાની પાંચ વર્ષની પુત્રીની હત્યા નિપજાવવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદી સરવરીબેનના લગ્ન રવીભાઇ રમેશભાઇ પાનસુરીયા સાથે થયા હતા અને તેમને દિકરીનો જન્મ થયો હતો. આ દરમિયાન તેણીને જામનગરના ગાંધીનગર મેઇન રોડમાં રહેતા વિરેન જાનગીદાસ રામાવત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેના કારણે ફરિયાદી તથા તેના પતિના છુટાછેડા થયા હતાં. ફરિયાદી સાથે તેની પુત્રી રહેતી હતી. આ દરમિયાન આરોપી વિરેન ફરીયાદીને મળવા જતો અને દીકરીને રાખવાની ના પાડતો હતો. ત્યારબાદ તા.22-11-2023ના આરોપી ફરિયાદીના ઘરે ગયો હતો. ત્યારે ફરીયાદીની પુત્રી રમતી હોય તેને ‘તુ મરતી નથી અને અમારો રસ્તો સાફ કરતી નથી’ તેમ કહી વેલણ અને ચમચા વડે આડેધડ માર મારી બચકા ભરી લીધા હતાં. ઘવાયેલી બાળકીને પ્રથમ ખાનગી અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સરવરીબેને ડોકટર સમક્ષ તેની દિકરી દાદરા પરથી પડી ગઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ત્રણ દિવસ પછી આ બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી આરોપી વિરેન જાનકીદાસ રામાવત વિરૂઘ્ધ હત્યાનો ગુન્હો નોંધાયો હતો.
આ કેસ જામનગરના સેસન્સ જજ એમ.આર. જોષીની અદાલતમાં ચાલી જતાં આડોસી પાડોશીના નિવેદનો, ફરિયાદી અને આરોપીના કોલ ડીટેઇલ, દસ્તાવેજી પુરાવાઓ સહિતની બાબતો ઘ્યાને લઇ આરોપી વિરેન રામાવાતને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને આઇપીસી કલમ 302 હેઠળ આજીવન કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ અને આઇપીસી કલમ 323 મુજબ એક વર્ષની સખત કેદની સજા અને રૂા.1 હજારનો દંડ કર્યો છે.


