ભાણવડ તાલુકાના શેઢાખાઇ ગામમાં રહેતાં વૃદ્ધના પગ બહુ કામ કરતાં ન હોય જેથી પગની બિમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની હોસ્પિટલમાં મોત નિપજયું હતું. ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામની સગર્ભા મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યા બાદ તેણીનું પણ મોતનિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા વીરાભાઈ દેવરખીભાઈ કરમુર (ઉ.વ. 75) નામના આહિર વૃદ્ધના પગ છેલ્લા એકાદ વર્ષથી બહુ કામ કરતા ન હોય, આ બીમારીથી કંટાળીને તેમણે ગત તા. 28 ના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર હરદીપભાઈ કરમુરએ ભાણવડ પોલીસને કરી છે.
જ્યારે ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતા વિજુબેન પ્રદીપભાઈ ભાટુ (ઉ.વ.37) નામના મહિલા સગર્ભા હોય અને તેમને પ્રસુતિ માટે ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રસુતિ દરમિયાન તેણીએ મૃત બાળકને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ સારવાર દરમિયાન કોઈ પણ કારણોસર વિજુબેનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ પ્રદીપભાઈ નગાભાઈ ભાટુએ કરતા ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી આરંભી હતી.


