Friday, July 31, 2026
Homeરાજ્યહાલારગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે નરાધમ શિક્ષકના વિકૃત કૃત્યથી હાલાર શર્મશાર

ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે નરાધમ શિક્ષકના વિકૃત કૃત્યથી હાલાર શર્મશાર

‘ગુરૂ-શિષ્ય’ના પવિત્ર સંબંધને લાંછન : પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકની હરકતોથી માતા-પિતાની કંપારી છૂટી ગઇ : પિતાની ફરિયાદના આધારે શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામની પ્રાથમિક શાળાના નરાધમ શિક્ષકે સગીર વિદ્યાર્થિનીને ક્લાસરૂમમાં બોલાવી શારીરિક છેડછાડ કરી બેશર્મ હરકતો કરી દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -

ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધને દર્શાવતા ‘ગુરૂપૂર્ણિમા’ના પાવન દિવસે ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામમાં બનેલી ઘટનાએ હાલારને હચમચાવી દીધું છે. ગુરૂને શર્મશાર કરનાર હિચકારા કૃત્યની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામની પ્રાથમિક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને શાળાના નરાધમ શિક્ષક વજશી બારડ નામના શખ્સે બાળકીને જ્યારે રિશેસ પડે ત્યારે નિશાળના સ્ટાફરૂમમાં કે લેશન કરવાના બહાને લઇ જઇ સ્ટાફરૂમનો દરવાજો બંધ કરી બાળકીના શરીરે અડપલાં કરી હિચકારા કૃત્ય આચરતો હતો. તેમજ બાળકીને હાથમાં પેન પણ મારી હતી. ઉપરાંત બાળકીના જન્મદિવસે હોટલમાં લઇ જવાનું કહી આ વાત કોઇને કહીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. નરાધમ શિક્ષક વજશી દ્વારા આચરાયેલા કૃત્યને કારણે માતા-પિતા અને પરિવારજનોની કંપારી છૂટી ગઇ હતી તેમજ નિશાળ પૂર્ણ થયા બાદ બધાં વિદ્યાર્થીઓ જતાં રહે પછી આ નરાધમ શિક્ષક બાળકીને શાળામાં રોકીને અડપલાં કરતો હતો.

નરાધમ શિક્ષક દ્વારા સગીર બાળકી સાથે વારંવાર શારીરિક અડપલાં અને છેડતી તેમજ હિચકારા કૃત્ય આચરી બાળકીને શારીરિક ત્રાસ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે કોઇને જાણ કરીશ તો જાનથી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. નરાધમ શિક્ષકના અમાનુષી ત્રાસ અને દુષ્કર્મથી ભયભીત થયેલી બાળકીએ ડરતાં ડરતાં આ બાબતની જાણ પરિવારમાં કરી હતી. જેના આધારે ભોગ બનનાર બાળકીના પિતા દ્વારા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નરામધ શિક્ષક વજશી બારડ વિરૂદ્ધ પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular