Saturday, July 25, 2026
Homeરાજ્યહાલારદ્વારકાના નંદાણા સ્પોર્ટ્સ સંકુલનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો

દ્વારકાના નંદાણા સ્પોર્ટ્સ સંકુલનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે આવેલું અને રાજ્ય સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા સંચાલિત ‘ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સંકુલ’ (DLSS) ગ્રામીણ ક્ષેત્રની રમતગમત પ્રતિભાને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ સંકુલમાં સુવિધાસભર તાલીમ મેળવીને સ્થાનિક દીકરીઓ અને ખેલાડીઓ આજે રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં દેશ અને જિલ્લાનું નામ ગૌરવભેર ઉજ્જવળ કરી રહ્યા છે.

- Advertisement -

નંદાણા સ્પોર્ટ્સ સંકુલની સિદ્ધિઓની વાત કરીએ તો તાજેતરમાં જ આ સંકુલની એક તેજસ્વી વિદ્યાર્થીનીએ જોર્ડન ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધા’માં ભાગ લઈને ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ પૂર્વે પણ આ જ સંકુલની બે વિદ્યાર્થીનીઓએ યુરોપના બે દેશોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ કૌશલ્ય દાખવ્યું હતું. ગત વર્ષ દરમિયાન આ સંસ્થાના ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતોમાં કૌશલ્ય દાખવીને કુલ 23 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા હતા.

આ સ્પોર્ટ્સ સંકુલનું કુશળ સંચાલન વર્ગ-2 કક્ષાના અનુભવી કોચ હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખેલ મહાકુંભ તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓની વૈજ્ઞાનિક ઢબે પસંદગી કરીને તેમને આ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં તેમને આધુનિક તાલીમ પૂરી પાડવામાં આવે છે.
ગામડાંના ઉભરતા ખેલાડીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી પાછળ વાર્ષિક આશરે રૂપિયા 1.68 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ રકમમાં વિદ્યાર્થીઓનો શાળાકીય અભ્યાસ, સુસજ્જ રહેઠાણ, પૌષ્ટિક અને સમતોલ ભોજન, સ્પોર્ટ્સ કીટ તેમજ આધુનિક રમતગમતની તાલીમ સહિત તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

- Advertisement -

જિલ્લામાં રમતગમત ક્ષેત્રને વધુ વેગ આપવા અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની આધુનિક સુવિધાઓ સ્થાનિક ધોરણે પૂરી પાડવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂપિયા 26 કરોડના ખર્ચે ખંભાળિયા અને ભાણવડ ખાતે બે નવા અદ્યતન સ્પોર્ટ્સ સંકુલો ઊભા કરવામાં આવ્યા છે. (પરંતુ ઉદ્ઘાટન ના વાંકે હાલ તે બંધ હાલત માં છે) આ નવા સંકુલો કાર્યરત થવાથી રમતગમત વિભાગની પ્રવૃત્તિઓને અભૂતપૂર્વ ગતિ મળશે અને જિલ્લાના વધુને વધુ ખેલાડીઓ આગામી સમયમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular