દ્વારકા એલસીબીએ ભાણવડ નજીક મોટરકારમાંથી બે શખ્સોને રૂપિયા 2,99,000ની કિંમતની 299 નંગ વિદેશી બોટલ સાથે ઝડપી લીધાં હતાં. દારૂની બોટલો, મોટરકાર સહિત કુલ રૂપિયા 6.19 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઈ બેરા તેમજ મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના રાણપરડા ગામની સીમ માથે રાત્રિના સમયે પસાર થઈ રહેલી જી.જે. 25 બીએ 8786 નંબરની એક એક્સ.યુ.વી. મોટરકારને અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂ. 2,99,000ની કિંમતના કિંમતની 299 વિદેશી દારૂ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતની એક્સ.યુ.વી. મોટરકાર અને રૂપિયા 20,000ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 6,19,000ના મુદ્દામાલ સાથે રાણપર ગામના રહીશ રબારી જગા દાના શામળા અને યુવરાજસિંહ રૂપસંગ સોલંકી નામના બે શખ્સોને દબોચી લીધા હતા.
આ પ્રકરણમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામના પરબત ઉર્ફે પબા મેરા મોરી અને કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામના દિગ્વિજયસિંહ ઉર્ફે લંગડો આલુભા જાડેજા નામના બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું જાહેર થયું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


