જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજચોરી કરતા તત્વો સામે દિવાળીના તહેવારો બાદ પીજીવીસીએલના વીજતંત્ર દ્વારા ફરી મેગા વીજચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાભપાંચમ બાદ શરૂ થયેલી આ ઝુંબેશના પ્રથમ બે દિવસમાં જ 152 વીજચોરીના કેસ સામે આવ્યા હતા. જે કાર્યવાહી દરમિયાન નોંધાયેલી ફરિયાદોમાં પાંચ લાખ રૂપિયાથી વધુની વીજચોરીના પાંચ અને એક લાખ રૂપિયાથી વધુની વીજચોરીના 46 કેસનો સમાવેશ થતાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. બુધવારે સતત ત્રીજા દિવસે પણ બંને જિલ્લાઓમાં વીજચેકિંગની કાર્યવાહી યથાવત્ રાખવામાં આવી હતી.
દિવાળીના તહેવારો દરમિયાન વિરામ બાદ સોમવારથી વીજતંત્ર દ્વારા વીજચોરી પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં વીજતંત્રની ટીમોએ મેગા ડ્રાઇવ યોજી હતી. આ દરમિયાન કુલ 74 સ્થળોએ વીજચોરી પકડાઈ હતી અને તેના અનુસંધાને જામનગરના વીજ પોલીસ મથકમાં 74 ફરિયાદો નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદોમાં એક લાખ રૂપિયાથી વધુની વીજચોરીના 21 અને પાંચ લાખ રૂપિયાથી વધુની વીજચોરીના ત્રણ કેસનો સમાવેશ થયો હતો.
View this post on Instagram
ત્યારબાદ મંગળવારે સતત બીજા દિવસે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને સિક્કા, સાપર સહિતના ગ્રામ્ય પંથકોમાં વીજતંત્રની ટીમોએ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન વીજચોરીના 100 થી વધુ કિસ્સાઓની તપાસ કરવામાં આવી હતી. મંગળવારના દરોડા સંદર્ભે જામનગરના વીજ પોલીસ મથકમાં કુલ 78 થી વધુ ફરિયાદો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ લાખ રૂપિયાથી વધુની વીજચોરીની બે અને એક લાખ રૂપિયાથી વધુની વીજચોરીની 25 ફરિયાદોનો સમાવેશ થાય છે.
બીજી તરફ બુધવારે સતત ત્રીજા દિવસે પણ વીજચેકિંગની મેગા ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી હતી. જામનગર જિલ્લામાં 40થી વધુ વીજતંત્રની ટીમો દ્વારા લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જામજોધપુર, ધ્રોલ, સમાણા સહિતના માર્ગો અને આસપાસનાં ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજતંત્રની ટીમો દ્વારા એકસાથે જુદાં જુદાં ગામોમાં તપાસ કરવામાં આવતાં વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. દિવાળી બાદ પુન: શરૂ થયેલી આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની હોવાથી વીજચોરીના વધુ કિસ્સા સામે આવે તેવી શક્યતા છે.


