જામનગર શહેરમાં અભ્યાસ કરતી તરૂણીએ મિત્રતા મૂકી દેતાં ઉશ્કેરાયેલા શખ્સે તરૂણીના માસીના ઘરમાં ઘૂસી તરૂણીને થપ્પડ તથા લાતો મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ, મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતી તરૂણીને મોરકંડા રોડ ઉપર રહેતા નવાઝ રફિક કુરેશી નામના શખ્સ સાથે મિત્રતા હતી, પરંતુ તરૂણીએ નવાઝ સાથેની મિત્રતા મૂકી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા નવાઝ કુરેશીએ મંગળવારે વહેલી સવારના સાડા છ વાગ્યાના અરસામાં ઇન્દિરા સોસાયટીમાં તરૂણીના માસીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ તરૂણીને થપ્પડ તથા લાતો મારી ઇજા પહોંચાડી હતી. તેમજ મિત્રતા મૂકી દઇશ તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તરૂણીએ લુખ્ખાગીરી કરતાં શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા એસસી-એસટી સેલના ડીવાયએસપી મીત રૂદલાલ તથા સ્ટાફ દ્વારા નવાઝ રફિક કુરેશી વિરૂદ્ધ એટ્રોસિટી, હુમલો તથા ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


