જામનગર અને દ્વારકા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝન શરૂ થયા પછી પણ હજુ સુધી જોઇએે તેવો વરસાદ વરસ્યો નથી. દર વર્ષની સરખામણીએ અમુક તાલુકાને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં નહીંવત્ વરસાદ વરસતાં હાલારવાસીઓ ચિંતામાં છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન હાલારમાં સામાન્ય ઝાપટાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
દેશભરમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે ત્યારે ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અમુક શહેરો અને ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો અમુક ગામોમાં માત્ર છાંટા કે મધ્યમ વરસાદ પડી રહ્યો છે. આવા છૂટાછવાયા અમુક સ્થળે વરસાદ જો આમ જ વરસસે તો પાણીની પરિસ્થિતિ વિકટ બનવાની ભીતિ સેવાઇ રહી છે. દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમયાન સામાન્ય ઝાપટાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયાના અહેવાલ છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ ત્રણ ઇંચ પાણી રાત્રિના બાર વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં વરસી ગયું છે. તેમજ કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર ચાર ઇંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. ત્યારે ખરેડીમાં ત્રણ ઇંચ પાણી પડી ગયું હતું. ઉપરાંત ભલસાણ બેરાજા, નીકાવા, મોટા પાંચ દેવડામાં બેથી સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. તેમજ મોટા વડાળામાં સામાન્ય ઝાપટારૂપે અડધો ઇંચ પાણી વરસ્યું હતું.
ધ્રોલ ગામમાં ગત્રાત્રિના બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીના ચાર કલાકમાં અઢી ઇંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. તેમજ ધ્રોલ તાલુકાના લતીપુરમાં પણ સવા બે ઇંચ પાણી વરસી ગયું હતું. જ્યારે લૈયારામાં ધીમીધારે એક ઇંચ અને જાલિયા દેવાણીમાં ઝાપટા સ્વરૂપે અડધો ઇંચ પાણી વરસ્યું હતું. તથા જોડિયા ગામમાં ગતરાત્રિના બાર વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધીના બે કલાકમાં પોણા બે ઇંચ પાણી પડયું હતું. અને ત્યારબાદ સામાન્ય ઝાપટા મળી કુલ બે ઇંચ પાણી આકાશમાંથી વરસી ગયું હતું. ઉપરાંત તાલુકાના બાલંભા, હડિયાણા અને પીઠડમાં બેથી અઢી ઇંચ વરસાદ વરસી જતાં ખેડૂતોએ રાહત અનુભવી હતી. લાલપુરમાં સામાન્ય ઝાપટારૂપે માત્ર અડધો ઇંચ પાણી વરસ્યું હતું. અને લાલપુર તાલુકાના પીપરટોડામાં ધીમીધારે દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો તથા હરિપરમાં પોણો ઇંચ અને પડાણા તથા ભણગોરમાં અડધો-અડધો ઇંચ તેમજ મોટા ખડબા અને મોડપરમાં સામાન્ય ઝાપટા પડયા હતા.
જામનગર શહેરમાં ગત્ મધ્યરાત્રિના બાર વાગ્યે ધીમીધારે છાંટા શરૂ થયા હતા અને પરોઢના ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીના બે કલાકમાં ધીમીધારે સવા ઇંચ પાણી વરસી ગયું હતું. જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. દરેડ, મોટી ભલસાણમાં પોણા બે-પોણા બે ઇંચ પાણી પડયું હતું. તથા લાખાબાવળ, વસઇ, ફલ્લા, જામવંથલી અને અલીયાબાડામાં સવા-સવા ઇંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. ઉપરાંત જામજોધપુરમાં ગત્રાત્રિના માત્ર સામાન્ય છાંટા જ પડયા હતાં. જ્યારે તાલુકાના ધ્રાફા, શેઠવડાળા, સમાણા, ધુનડામાં પોણો-પોણો ઇંચ પાણી ધીમીધારે વરસ્યું હતું. વાંસજાળિયા, પરડવા તથા જામવાડીમાં જોરદાર ઝાપટા પડયાના અહેવાલ છે.
View this post on Instagram
અષાઢ માસ હાલ અડધો પૂર્ણ થવાના આરે છે. ત્યારે ખંભાળિયા સહિત જિલ્લામાં હજુ જાણે ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું હોવાના ચિત્ર વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ખંભાળિયામાં આજે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જેણે થોડીવારમાં વેગ પકડતા સાડા પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ધોધમાર 14 મી.મી. પાણી પડી જવા પામ્યું હતું. જેના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. પવન સાથેના વરસાદથી લોકો સફાળા જાગી ગયા હતા. થોડો સમય વીજ પુરવઠો ખોવાઈ ગયો હતો. જો કે ત્યાર બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને હળવા છાંટા વચ્ચે વાદળછાયું વાતાવરણ બરકરાર રહ્યું હતું.
આ સાથે ભાણવડ તાલુકામાં પણ વહેલી સવારે 14 મી.મી. તેમજ સવારે આઠેક વાગ્યાના સમય ગાળામાં વધુ ચાર મી.મી. સાથે કુલ 18 મી.મી. પાણી વરસી જવા પામ્યું છે. કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા રૂપે 5 મી.મી પાણી પડી ગયું હતું. જ્યારે દ્વારકા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.
આ પ્રથમ નોંધપાત્ર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખાસ કરીને ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો હતો. જો કે હજુ મુશળધાર વરસાદ વરસે તેમ સૌ કોઈ રહ્યા છે. મોસમનો કુલ વરસાદ ભાણવડમાં બે ઈંચ, ખંભાળિયામાં દોઢ ઈંચ તથા કલ્યાણપુરમાં અડધો અને ઓખા મંડળમાં માત્ર 9 મી.મી. નોંધાયો છે.


