લોન ધારકો અને વેપારી પેઢીઓ માટે લાલબત્તી સમાન એક મહત્વપૂર્ણ કેસમાં જામનગરની અદાલતે કડક વલણ અપનાવ્યું છે. લોન ધારક પેઢી દ્વારા ઇલેકટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ મેન્ડેટ આપીને ખાતામાં પુરતુ બેલેન્સ ન રાખી બેંક સાથે છેતરપીંડી કરવાના મામલામાં અદાલતે કાયદાકીય મર્યાદાઓ અને જવાબદારીઓ અંગે ગંભીર અવલોકનો કર્યા છે. અને આરોપી ભાગીદારોને કસુરવાન ઠેરવી એક વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ લોનધારક પેઢી દ્વારા ઓટો ડેબિટ મેન્ટેડ આપ્યા બાદ ખાતામાં પુરતુ બેલેન્સ ન રાખતા ફરિયાદ થઇ હતી. આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વેલફીટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ (જીઆઇડીસી ફેસ-3 દરેડ જામનગર) તથા તેના ભાગીદારો રણજીતકુમાર શ્યામનંદ ઝા, રજનીશકુમાર શ્યામાનંદ ઝા અને જયદીપકુમાર કૃષ્ણાનંદ ઝા વિરૂઘ્ધ થયેલા કેસમાં આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતાં. તેમાં પાંચમાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનોજકુમાર લાલવાની દ્વારા આરોપીઓને તકસીરવાન ઠેરવી ત્રણેય આરોપી ભાગીદારોને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે તેમજ આરોપીઓએ ફરિયાદી બેંકને ઇન્સ્ટોલમેન્ટની બાકી રકમ રૂા.23,10,555 વળતર પેટે 60 દિવસમાં ચૂકવી આપવાના રહેશે જો વળતર ચૂકવવામાં કસુર કરશે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો છે. આરોપીઓ હાજર ન હોવાથી તેમના અગાઉના જામીન રદ કરી ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ છે.
આ કેસમાં ફરિયાદી તરફે સીનિયર એડવોકેટ મહેશ એ. તખ્તાણી, જીતેશ એમ. મહેતા, સંજના એમ. તખ્તાણી, મનીષા પી. ભાગવત, મુર્તઝા એચ. મોદી, નીરાલી ગોસ્વામી, કિંજલ સોજીત્રા, રીના રાઠોડ અને પૂજા રાઠોડ રોકાયા હતાં.


