જામનગર શહેરના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર ઘર પાસે પાણીની લાઇન નાખવા માટે ખાડો કરવા બાબતે ત્રણ શખ્સોએ લોખંડના સળિયા તથા લાકડી વડે હુમલો કરી ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના યોગેશ્વરનગર -2, શેરી નંબર 4માં રહેતાં કિશોરસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ.29) નામના યુવાને તેના ઘર પાસે પાણીની લાઇન નાખવા માટે ખાડો કરતાં આ બાબતનો ખાર રાખી પાડોશી અજય ઉર્ફે અજલો બાવો, હિતેષ અજયભાઇ અને અજયના ભાભી સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ગઇકાલે રાત્રિના સમયે કિશોરસિંહ સાથે બોલાચાલી અને ઝઘડો કરી લોખંડનો સળિયો તથા લાકડી વડે આડેધડ માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા કિશોરસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. ટી. કે. પાંભર તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


