ચમકતી લાઇટ્સ, ગુંજતા સંગીત અને તાળીઓના ગડગડાટ વચ્ચે કલાકારો દ્વારા રજૂ થતાં કરતબો, જોખમી સ્ટંટ, શરીર કૌશલ્ય અને જોકરોના જોકસનો સંગમ એટલે કે સર્કસ. હાલમાં જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં એશીયાર્ડ સર્કસનો પ્રારંભ થયો છે. જેમાં દરરોજ ત્રણ શો યોજાઇ રહ્યા છે. હાલ મોબાઇલના ઇન્ટરનેટના યુગમાં સર્કસના કલાકારો સર્કસનું અને પોતાની આવડત માટે ઝઝુમી રહ્યા છે.
ગુજરાત સહિત દેશભરમાં સર્કસ ઉદ્યોગની હાલત કફોડી બની છે એક સમય હતો જ્યારે દેશમાં સર્કસનો સુર્વણ યુગ હતો. ‘મેરા નામ જોકર’માં રાજકપૂરે સર્કસમાં કામ કરતા જોકરની વ્યથા પર પડઘો પાડયો હતો. આજે મોબાઇલ અને ટેકનોલોજી અને ઇન્ટરનેટનો આધુનિક યુગ છે જેમાં સર્કસ મૃત:પાય અવસ્થામાં જઇ રહ્યા છે. મોબાઇલ અને ઇન્ટરનેટના વ્યાપક પ્રભાવને કારણે મનોરંજનની રીતમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. સોશ્યલ મીડીયા, ઓનલાઇન ગેમ્સ અને ડીઝીટલ પ્લેટફોમના વધતા પ્રભાવ વચ્ચે સર્કસ જેવા પરંપરાગત મનોરંજનના સાધનોની લોકપ્રિયતા આંશિક રીતે ઘટતી જોવા મળી રહી છે. છતાં પણ સર્કસનું મહત્વ આજે પણ અખંડીત છે.
સર્કસ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ જીવંત કળા અને માનવીય કુશળતાનો અનોખો પરીચય છે. કલાકારોની મહેનત જોખમનો જીવંત અનુભવ પ્રેક્ષકોને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. એક તરફ સર્કસ પાછળ થતો લાખોનો ખર્ચ અને સોશ્યલ મીડીયાના જમાનામાં સર્કસને બચાવવું અઘરૂ પડી ગયું છે. 90ના દાયકામાં તેની સારી એવી બોલબાલા હતી. સર્કસમાં જે કરતબ બતાવાતા હતાં એ અત્યારે લોકો સોશ્યલ મીડીયા પર ફ્રીમાં જોતા હોય છે (આપણે તો સોશ્યલ મીડીયામાં મફત જોઇએ છીએ પરંતુ તે લોકો તો કમાય જ છે અને સર્કસના કલાકારોની રોજીરોટી જોખમાય છે) સર્કસમાં દરેક કલાકાર પોતાની અનોખી પ્રતિભા દ્વારા દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. કોઇ ઉંચાઇ પર જોખમી સ્ટંટ કરે છે તો કોઇ હાસ્ય દ્વારા સૌના ચહેરા પર સ્મીત ફેલાવે છે.
હાલમાં જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એશીયાડ સર્કસનો પ્રારંભ થયો છે. આ સર્કસના મેનેજર દિપરાજસિંઘએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી આ સર્કસ મનોરંજન પીરસી રહ્યું છે. જામનગર ખાતે સૌપ્રથમ વખત આવ્યું છે. પરંતુ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોમાં સર્કસના શો યોજાઇ ચૂકયા છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં જામનગરમાં ચાલતા સર્કસના શોમાં 25થી વધુ આઇટમો પ્રસ્તુત કરવામાં આવી રહી છે. દરરોજ અને દરેક શોમાં તેમાં પરીવર્તન કરવામાં આવે છે કુલ 45 જેટલા કલાકારો અવનવી પ્રસ્તુતીઓ કરી રહ્યા છે. તેમજ કુલ 70થી વધુનો સ્ટાફની આ સમગ્ર કાર્યક્રમ પાછળ જહેમત હોય છે. તાન્જાનીયા, નેપાળ ઉપરાંત ભારતના આસામ, બંગાળ સહિતના રાજ્યોના કલાકારો દ્વારા લોકોને મનોરંજન પીરસવામાં આવે છે. જેમાં જીમનાસ્ટીક, મોતનો કુવો, હેરત અંગેઝ કરતબોનો સમાવેશ થાય છે.
અગાઉના સમયમાં સર્કસમાં વિદેશી પોપટ, હાથીઓનું ક્રિકેટ, ઘોડાઓના ખેલ સહિતના અનેક આકર્ષણો રહેતા હતા જેના પર પ્રતિબંધ આવતા શું મુશ્કેલી થઇ રહી છે તે અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં પ્રાણીઓનો અલગ જ ક્રેઝ હતો. તેના પર પ્રતિબંધ આવતા હવે લોકોની રૂચી ઘટી છે. પ્રાણી ઉપર પ્રતિબંધને કારણે હવે લગભગ ચારથી પાંચ સર્કસ જ વઘ્યા છે. તેમાં પણ મોબાઇલને કારણે પણ અસર થઇ રહી છે. મોબાઇલને કારણે સર્કસ સુધી લોકો ઓછા પહોંચે છે અને કલાકારો પોતાની કલાના અસ્તિત્વ સામે ઝઝુમી રહ્યા છે.
કલાકારોને રહેવાની, જમવાની વ્યવસ્થા તેમજ આટલા દિવસના લાઇટીંગ તંબુ સહિતનો ખર્ચ વધુ રહેતો હોય છે આટલા ખર્ચ બાદ સર્કસને જો પુરતા પ્રેક્ષકો ન મળે તો સ્વભાવીક રીતે ખુબ મોટી ખોટનો સામનો કરવો પડી શકે છે. અને આ સર્કસ સાથે જોડાયેલ કલાકારો કે જેઓ જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે તેઓને અને તેમના પરિવારોને બેકારીનો સામનો કરવાનો પણ વારો આવે છે ત્યારે લોકોની પણ ફરજ છે કે મોબાઇલમાં સર્કસ જોવાને બદલે આવા કલાકારોને બિરદાવી બાળકો સાથે સર્કસ જોવા જઇ મૃત:પાય અવસ્થામાં જઇ રહેલા સર્કસમાં પ્રાણ પુરવા જોઇએ.
જામનગરમાં હાલ બપોરે 4 વાગ્યે, 7 વાગ્યે અને રાત્રે 9-30 વાગ્યે એમ સર્કસના ત્રણ શો ચાલી રહ્યા છે. જેમાં જોકરના રમુજી કિસ્સાઓ, કલાકારોના કરતબો સહિતના મનોરંજન પીરસાઇ રહ્યા છે.


