જામનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલતા બોગસ બિલિંગ અને કરોડો રૂપિયાની જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે હવે સંપૂર્ણ આરપારની લડાઈ શરૂ કરી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં હાથ ધરાયેલા વ્યાપક સર્વે, દરોડા અને દસ્તાવેજી તપાસ બાદ હવે વિભાગ માત્ર તપાસ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ કડક કાયદાકીય કાર્યવાહી તરફ આગળ વધી રહ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શરૂઆતના તબક્કામાં એન્જલ એન્ટરપ્રાઇઝ, રિધમ મેટલ, માંડોવરા ટ્રેડિંગ કંપની, નકુલ એન્ટરપ્રાઇઝ, વાય.પી. ઇમ્પેક્સ, પિત્તલ મેટલ, બેલસિપ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., દેવ ઇમ્પેક્સ, ખોડલ એન્ટરપ્રાઇઝ, રાહુલ એન્ટરપ્રાઇઝ, નારાયણ એન્ટરપ્રાઇઝ, હરિ ઓમ એન્ટરપ્રાઇઝ, ઓનેસ્ટ ઇમ્પેક્સ અને શ્રી રામ એન્ટરપ્રાઇઝ સહિત 14 જેટલી ફર્મોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં હિસાબી દસ્તાવેજો, મોબાઇલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, ડિજિટલ ડેટા અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ કબજે કરીને તેની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસનો વ્યાપ વધતા હવે મોમાઈ એન્ટરપ્રાઇઝ, કે.ડી. મેટલ, શ્રી એન્ટરપ્રાઇઝ, કુદરત એન્ટરપ્રાઇઝ અને ભાગીરથ એન્ટરપ્રાઇઝ સહિત અન્ય અનેક ફર્મો પણ વિભાગના શંકાના દાયરામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ સ્થળોએ તપાસ અને સર્ચ કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્પોટ વેરિફિકેશન દરમિયાન અનેક નોંધાયેલ સરનામાઓ પર કોઈ વ્યવસાય જ ન ચાલતો હોવાનું સામે આવ્યું હોવાનું જાણવા મળે છે. કેટલીક જગ્યાએ માત્ર કાગળ પર જ કંપનીઓ અસ્તિત્વમાં હોવાનું સામે આવતા આવી ફર્મોને નોન-જેન્યુઇન ટેક્સેબલ પર્સન જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. અનેક કેસોમાં દસ્તાવેજી માલિકો અને વાસ્તવિક સંચાલકો અલગ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.
તપાસ દરમિયાન સુમિત પટેલ, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, હાર્દિક ગઢિયા, સુરેશ વસોયા, સિદ્ધરાજસિંહ રાણા અને કાદિર સહિતના નામો વિવિધ નાણાકીય વ્યવહારોમાં સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક ગઢિયા અને સુરેશ વસોયા હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી. બંનેની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી જણાય તો તેમની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
વિભાગ હવે માત્ર બોગસ જીએસટી નોંધણી રદ કરવા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ ખોટી રીતે લેવામાં આવેલા ઇનપુટ ટેક્સ ક્રેડિટને બ્લોક કરવાની કાર્યવાહી, બાકી કરની વસૂલાત, બેંક ખાતાઓ ફ્રીઝ કરાવવા, સંપત્તિ અટેચ કરાવવા તેમજ સંડોવાયેલા લોકોની નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પણ તૈયારી કરી રહ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.
તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે અનેક લોકોની સ્થાવર અને જંગમ મિલકતો અંગેની માહિતી સબ-રજિસ્ટ્રાર કચેરી, આવકવેરા વિભાગ, બેંકો તથા અન્ય સરકારી એજન્સીઓ પાસેથી એકત્ર કરવામાં આવી રહી છે. જે મિલકતો કરચોરીની આવકથી ખરીદવામાં આવી હોવાની શંકા હશે અથવા કર વસૂલાત માટે જરૂરી જણાશે તેવી મિલકતો અટેચ કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં શરૂ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં કરોડો રૂપિયાની મિલકતો અટેચ કરવાની દિશામાં કાર્યવાહી આગળ વધી શકે છે. કેટલાક સંડોવાયેલા લોકો પોતાની મિલકતો અન્યના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી પણ વિભાગ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. આ પ્રકારના તમામ વ્યવહારો પર રાજ્ય વેરા વિભાગ ટેકનિકલ સર્વેલન્સ અને મેદાની તપાસ દ્વારા સતત નજર રાખી રહ્યો છે.તપાસ દરમિયાન બોગસ બિલિંગનું એક સામાન્ય મોડસ ઓપરેન્ડી પણ સામે આવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં માલની ખરીદી એક જગ્યાએથી કરવામાં આવે છે, પરંતુ ઇન્વોઇસ અન્ય બોગસ ફર્મોના નામે મેળવી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવામાં આવે છે. આ સમગ્ર સાંકળ દ્વારા સરકારને કરોડો રૂપિયાની કરચોરી પહોંચાડવામાં આવતી હોવાનું સૂત્રોનું કહેવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ માંડોવરા ટ્રેડિંગ કંપની સાથે સંકળાયેલા પિતા-પુત્રની ધરપકડ બાદ સમગ્ર નેટવર્ક અંગે મહત્વપૂર્ણ માહિતી વિભાગને મળી છે. આ માહિતીના આધારે અન્ય મોટા બોગસ બિલિંગ રેકેટ્સની પણ ઓળખ થઈ રહી છે અને આગામી દિવસોમાં વધુ દરોડા, પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.બ્રાસ ઉદ્યોગમાં હજુ પણ કાચા હિસાબથી વ્યવહાર થતો હોવાની ચર્ચાઓ વચ્ચે રાજ્ય વેરા વિભાગે ટેકનિકલ સર્વેલન્સ, ડેટા એનાલિટિક્સ અને ફીલ્ડ વેરિફિકેશનના આધારે સતત મોનિટરિંગ શરૂ રાખ્યું હોવાનું જાણવા મળે છે. શંકાસ્પદ વ્યવહારો કરનારા વેપારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સૂત્રોનો દાવો છે કે તાજેતરના દરોડા બાદ બોગસ બિલિંગના મુખ્ય સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ઘણા લોકો તપાસથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે રાજ્ય વેરા વિભાગ હવે કોઈપણ પ્રકારની ઢીલ આપવાના મૂડમાં નથી. બોગસ બિલિંગ કરનારાઓ ઉપરાંત આવા બિલોનો લાભ લેનારા વેપારીઓ, નાણાકીય વ્યવહારોમાં મદદરૂપ બનેલા લોકો અને સમગ્ર નેટવર્કના તમામ કડીઓને તપાસના દાયરામાં લાવી કડક કાયદાકીય પગલાં ભરવાની તૈયારી ચાલી રહી છે.
આગામી સમયમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કરચોરી અને બોગસ બિલિંગના સંગઠિત નેટવર્ક સામે વધુ આક્રમક અભિયાન શરૂ થશે અને સરકારને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આધારભૂત સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે.


