ત્રણ પૈડાંવાળી સાયકલ સાથે દ્વારકાધીશના દર્શનાર્થે પદયાત્રા કરી જઇ રહેલાં વૃદ્ધની રોકડ રકમ ચોરી કરી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ ચોરીના બનાવની વિગત મુજબ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પંચભાદરા તાલુકાના અસાડા ગામમાં રહેતાં અને સન્યાસી જીવન જીવતાં સૂકારામ મંગના ચૌહાણ (ઉ.વ.76) નામના વૃદ્ધ ત્રણ પૈડાંવાળી સાયકલ લઇ પદયાત્રા કરતાં દ્વારકાધીશના દર્શને જઇ રહ્યાં છે. આ દરમ્યાન તા. 26 જુનના તેઓ જામનગર-ખંભાળિયા હાઇવે પર બેડ પાટિયા પાસે આવેલા રામના મંદિરની બાજુમાં બાપા સિતારામની મઢુલી પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાની સાયકલ અને સામાન રોડની બાજુમાં મૂકી મંદિરમાં પૂજા-અર્ચના કરવા ગયાં હતાં. આ દરમ્યાન તેમની સાયકલની પાછળના ભાગમાં આવેલી પતરાંની પેટીમાંથી ભેટ સોગાદમાં મળેલ રૂા. 50 થી 60 હજારની રોકડ રકમ ત્રણ શખ્સો ચોરી કરીને નાશી ગયા હતાં.
View this post on Instagram
આ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં સૂકારામજીએ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ અંગે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ આદરી છે.


