દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના શ્રીજી સોસાયટી વિસ્તારમાં વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં રખડતા શ્વાને રસ્તા પરથી પસાર થઈ રહેલા દાદા અને તેમના પૌત્ર પર અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે દાદા અને પૌત્ર શાંતિપૂર્વક રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક રખડતું શ્વાન તેમની તરફ દોડી આવ્યું અને હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાથી બંને ગભરાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ હિંમતપૂર્વક શ્વાનને ભગાડી દાદા અને પૌત્રને બચાવ્યા હતા. જોકે આ દરમિયાન શ્વાને અન્ય લોકોને પણ બચકા ભર્યા હતા.
View this post on Instagram
આ સમગ્ર બનાવમાં એક બાળક સહિત કુલ ચાર લોકોને શ્વાનના બચકાથી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનો દ્વારા લોકોને કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને લોકોમાં ચિંતા વધી છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળાં ફરતા જોવા મળે છે અને અનેક વખત લોકોને દોડી જવાના બનાવો પણ બને છે. તેમ છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે અસરકારક કાર્યવાહી થતી નથી.
સ્થાનિકોએ તંત્રને રખડતા શ્વાનોના વધતા આતંકને અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર અને જીવલેણ ઘટનાઓને અટકાવી શકાય.


