જામનગર શહેરના ઢીચડા રોડ ઉપર આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતી પરિણીતા યુવતીએ બુધવારે રાત્રિના સમયે તેણીના ઘરે રૂમના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કર્યાના બનાવમાં ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ઢીચડા રોડ ઉપર આવેલી તિરૂપતિ-એ સોસાયટીમાં આવેલા ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સની બાજુમાં રહેતાં ડિમ્પલબેન સિદ્ધાર્થભાઇ પરમાર (ઉ.વ.22) નામની પરિણીત યુવતીએ ગત્ તા. 24ના રાત્રિના સમયે રૂમની છતના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ગુરૂવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ સિદ્ધાર્થ પરમાર દ્વારા જાણ કરવામાં આવતાં શહેર ડીવાયએસપી જે. એન. ઝાલા તથા પીએસઆઇઅ આર. કે. ખલિફા સહિતના સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પરિણીતાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગની તપાસ હાથ ધરી હતી.


