જામનગર શહેર અને જિલ્લામાં મહોર્રમની પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં જામનગર શહેરના બેડી વિસ્તારના તાજિયા વિશ્વ વિખ્યાત છે. તેમાં પણ ખાસ કરીને શહેરના દરબારગઢ નાકા બહાર આવેલા વિસ્તારમાં તાજિયા પડમાં આવતાં મુસ્લિમ બિરદારો મોટી સંખ્યામાં તાજિયાના દર્શનાર્થે ઉમટયા હતાં.

સરઘસની રાત્રિના તાજિયા પડમાં આવતાં જામનગરના પ્રખ્યાત એવો ચાંદીનો તાજિયો પડમાં આવ્યો હતો. તેમજ લાઇટ અને વિવિધ શણગાર સાથે કલાત્મક તાજિયાઓ નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. જામનગર શહેરના વોર્ડ નંબર એકના બેડી વિસ્તારમાં મહોર્રમના પવિત્ર તહેવાર નિમિત્તે કોર્પોરેટરના આમંત્રણને માન આપીને મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસકપક્ષના નેતા અમર મોદી બેડી વિસ્તારમાં તાજિયાના દર્શન માટે ઉપસ્થિત રહેતાં કોર્પોરેટર ઈસ્માઇલ માણેક, સારાબેન ચમડિયા અને જેન્તીભાઇ પ્રજાપતિ, કમલ પટેલ સહિતના વિસ્તારના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram
દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરન રાજવીએ ભેટમાં આપેલો ચાંદીનો તાજિયો શહેરના ચાંદીબજારમાં પડમાં આવ્યો હતો. જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો. તેમજ શહેરના અન્ય મુસ્લિમ વિસ્તારોમાં પણ થર્મોકોલ, કાચ, કાગળ અને આકર્ષક રોશનીઓથી સજ્જ કલાત્મક તાજિયાઓ રાજમાર્ગો પર લાવવામાં આવ્યા હતા. કરબલાના શહીદોની યાદમાં યોજાતા મહોર્રમ પર્વમાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે.


