યાત્રાધામ દ્વારકામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમના નિરામય આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ નિમિત્તે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશની ભવ્ય મહા આરતી તેમજ ગોમતીઘાટ પર વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત સરકારના રાજ્યમંત્રી રિવાબા જાડેજા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશની મહા આરતી દરમિયાન દેશના વિકાસ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન હાંસલ કરેલી વિકાસયાત્રાની પ્રશંસા કરી હતી.
સંધ્યાકાળે ગોમતીઘાટ ખાતે માતા ગોમતીની વિશેષ આરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં હજારો ભાવિક ભક્તો અને યાત્રાળુઓ સાક્ષી બન્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે ગોમતીઘાટ પર ગુંજેલા જયઘોષ અને આરતીના સ્વરોથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બની ગયો હતો.
આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓ, ભક્તો અને નાગરિકોને મહા આરતીમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. દ્વારકાધીશના આશીર્વાદથી દેશ સતત વિકાસના પંથે આગળ વધે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દીર્ઘાયુષ્ય સાથે દેશસેવામાં સતત કાર્યરત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.


