લાલપુર તાલુકાના ડેરાછીકારીની સીમમાં આવેલા સોલાર સેલ-2 પ્લાન્ટમાં મજૂરીકામ કરતાં શ્રમિક નીચે પટકાતાં ગંભીર ઇજા થવાથી પરપ્રાંતિય યુવાનનું જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ બિહારના નાલંદા જિલ્લાના કેવઇડિગહા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં રહેતો ચુનચુન ક્રિષ્ના ચૌહાણ (ઉ.વ.28) નામનો શ્રમિક યુવાન ગત્ તા. 16ના રોજ સવારના સમયે ડેરાછીકારીની સીમમાં આવેલા પી.વી. સોલાર સેલ-2 ફેક્ટરી પ્લાન્ટની અંદર મજૂરીકામ કરતો હતો. તે સમયે અચાનક પડી જતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત યુવાનને ટાઉનશીપ મેડીકલ સેન્ટર ખાતે અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે શસુધનકુમાર દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


