Monday, July 27, 2026
Homeવિડિઓપોરબંદરના તોફાની દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડનું સાહસિક રેસ્ક્યૂ - VIDEO

પોરબંદરના તોફાની દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડનું સાહસિક રેસ્ક્યૂ – VIDEO

ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટરથી 21 વર્ષીય બીમાર ખલાસીને એરલિફ્ટ કરી બચાવ્યો જીવ

ભારતીય કોસ્ટ ગાર્ડએ પોરબંદર નજીક અરબી સમુદ્રમાં તોફાની હવામાન અને ઊંચા મોજાં વચ્ચે એક અત્યંત પડકારજનક તબીબી બચાવ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી 21 વર્ષીય બીમાર ખલાસીનો જીવ બચાવ્યો છે. સમયસર અને સુનિયોજિત કામગીરીના કારણે ગંભીર હાલતમાં રહેલા ક્રૂ મેમ્બરને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, 25 જુલાઈ, 2026ની રાત્રે મુંબઈ સ્થિત મરીન રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નં. 1, પોરબંદરને જાણ કરવામાં આવી હતી કે મર્ચન્ટ વેસલ ‘MT મુરલીકિસાન’ પર ફરજ બજાવી રહેલા ૨૧ વર્ષીય ક્રૂ મેમ્બરને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને તેની સાથે ભારે તાવ પણ હતો. દરિયાની વચ્ચે દર્દીની તબિયત સતત બગડતી હોવાથી તાત્કાલિક તબીબી સારવાર માટે સ્થળાંતર જરૂરી બન્યું હતું.

- Advertisement -

માહિતી મળતાની સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડે સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) ઓપરેશન સક્રિય કર્યું હતું. પરંતુ દરિયામાં ખરાબ હવામાન, તેજ પવન અને ઊંચા મોજાંને કારણે સામાન્ય બોટ અથવા જહાજ મારફતે દર્દીને બહાર લાવવું શક્ય નહોતું.

પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદર પોર્ટ ઓથોરિટી સાથે તાત્કાલિક સંકલન સાધ્યું હતું. જેના આધારે ૨૬ જુલાઈની સવારે સંબંધિત જહાજને પોરબંદર બ્રેકવોટરથી આશરે ૨.૧ નોટિકલ માઈલ દૂર એન્કરિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, દરિયાની સતત ખરાબ સ્થિતિ અને પોર્ટના નિયમોને કારણે જહાજને જેટી પર બર્થ કરાવવું શક્ય બન્યું નહોતું.

- Advertisement -

આખરે ભારતીય કોસ્ટ ગાર્ડે સાંજના સમયે પોતાના એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરને રવાના કર્યું હતું. હેલિકોપ્ટરની વિશેષ ટીમે અત્યંત જોખમી પરિસ્થિતિ વચ્ચે સફળતાપૂર્વક દર્દીને જહાજમાંથી એરલિફ્ટ કર્યો હતો અને સુરક્ષિત રીતે પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન કોસ્ટ ગાર્ડના જવાનોની ઝડપી કામગીરી, વ્યાવસાયિક કુશળતા અને બહાદુરી ફરી એકવાર જોવા મળી હતી.

રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ દર્દીને સૌપ્રથમ પોરબંદર સ્થિત કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં કોસ્ટ ગાર્ડના મેડિકલ ઓફિસરે તેની પ્રાથમિક તપાસ અને જરૂરી સારવાર આપી હતી. ત્યારબાદ વધુ વિશેષ સારવાર માટે તેને પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દર્દીની તબિયત સ્થિર છે અને સારવાર હેઠળ છે.

આ સમગ્ર ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર (પોરબંદર), કોસ્ટ ગાર્ડ શિપ ‘આરુષ’, એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH), મરીન રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) અને પોરબંદર પોર્ટ ઓથોરિટી વચ્ચેના ઉત્તમ સંકલનના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર દેશના દરિયાઈ ક્ષેત્રમાં કોઈપણ કટોકટીની સ્થિતિમાં જીવન બચાવવું તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ સફળ રેસ્ક્યૂ ઓપરેશનને ભારતીય કોસ્ટ ગાર્ડની ઝડપી પ્રતિસાદ ક્ષમતા, આધુનિક ટેકનોલોજી અને માનવજીવન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular