કલ્યાણપુર પાસેથી પોલીસે મોટરકારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ 146 નંગ દારૂની બોટલો, મોટરકાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 16,37,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ કલ્યાણપુર પંથકમાં પી.આઈ. આર.એન. હાથલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના નારણભાઈ દેથરિયા અને નિલેશભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર ગામેથી રાવલ તરફ જઈ રહેલી સફેદ કલરની થાર મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂની 54 મોટી બોટલ તથા 192 નાની બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 1,07,400ની કિંમતના વિદેશી શરાબ તથા રૂપિયા 15 લાખની કિંમતની મહિન્દ્રા થાર મોટરકાર અને રૂ. 30,000ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,37,400ના મુદ્દામાલ સાથે બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ (ઉ.વ. 26, રહે. ઓદરકા, તા. ઘોઘા, ભાવનગર) તથા દીપક છગનભાઈ ગોહેલ (ઉ.વ. 26, રહે. આંબાવાડી, મોટી ખાવડી, જામનગર) અને દિવ્યરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉ.વ. 27, રહે. શાંતિનગર-7, જામનગર) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં આરોપી બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ સામે અલંગ અને ઘોઘા પોલીસ મથકમાં કુલ 6 ગુના તથા દિપક ગોહેલ સામે મેઘપર પોલીસ મથકમાં અને દિવ્યરાજસિંહ પરમાર સામે જામનગર સિટી ‘ઇ’ ડિવિઝનમાં એક-એક ગુના નોંધાયા હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલિયા, હેડ કોન્સ્ટેબલ નારણભાઈ દેથરિયા, નિલેશભાઈ રાજશીભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી


