કલ્યાણપુર તાલુકાના હરિપર ગ્રામ પંચાયત સરપંચના પતિ તથા સભ્ય સહિતના બે શખ્સો દ્વારા કાળ પથ્થર કાઢવાની ખાણની કામગીરી માટે પાંચ લાખની લાંચની માંગણી પ્રકરણમાં જામનગર એસીબીની ટીમે બન્નેને કલ્યાણપુર મામલતદાર કચેરી સામેથી ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર અને દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં કોઇપણ કામ માટે લાંચ માંગવાનો જાણે નિયમ બની ગયો હોય તેમ સરકારી કે પ્રાઇવેટ કામમાં રૂપિયા આપ્યા વિના કામ થતાં જ નથી તેવી સ્થિતિ થઇ ગઇ છે. ઉપરાંત સરકારી અધિકારીઓ કે હોદેદારો લાખોની લાંચ માગતા અચકાતા નથી. આવો જ વધુ એક બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરિપર ગ્રામ પંચાયતના પતિ ડાયા અરજણ પરમાર (ઉ.વ. 55) દ્વારા એક જાગૃત નાગરિકને હરિપર ગામમાં કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરી માટે સરપંચ અને સભ્ય દ્વારા ખોટી રીતે હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે હરિપર સરપંચના પતિ ડાયા પરમાર દ્વારા જાગૃત નાગરિક સહિતનાઓ પાસે રૂપિયા 30 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ રકમની રકઝક અંતે રૂા. 20 લાખ આપવાનું નકકી થયું હતું.
View this post on Instagram
દરમ્યાન જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા ન માંગતા હોય જેથી તેણે નાયબ નિયામક એસીબી-રાજકોટમાં ફરિયાદ કરી હતી. જે સંદર્ભે નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના નેજા હેઠળ એસીબી મદદનિશ નિયામક જે. ડી. મેવાળાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઇ એ. આર. ગોહિલ તથા સ્ટાફએ ગઇકાલે સાંજે છટકું ગોઠવી કલ્યાણપુર ગામમાં મામલતદાર કચેરી સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં જાગૃત નાગરિકના મિત્રની ઓફિસમાં સરપંચના પતિ ડાયા અરજણ પરમાર અને જીવા અરજણ પરમાર (ઉ.વ.41, રહે. કલ્યાણપુર) નામના બન્ને શખ્સોને રૂા. 5 લાખની લાંચની માંગણી કરી સ્વીકારતા રંગેહાથ ઝડપી લઇ બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


