ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જર્જરિત અને જોખમી ઇમારતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરની વિવિધ જૂની ઇમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જોખમી ગણાયેલી ઇમારતોના માલિકોને નોટિસો પણ પાઠવવામાં આવી હતી.
આ કાર્યવાહી અંતર્ગત જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી ગીતા લોજ નામની આશરે 80 વર્ષ જૂની ત્રણ માળની ઇમારતને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષો જૂની આ ઇમારત અત્યંત જર્જરિત બની ગઈ હોવાથી જાહેર સલામતીના હિતમાં તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ટીપી-ડીપી શાખા તેમજ એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ઇમારત તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી જેથી આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનો ભય રહેતો હોય છે, જેના કારણે લોકોના જીવ અને મિલકતને જોખમ ઊભું થઈ શકે છે. આથી અગાઉથી જ આવા જોખમોને ટાળવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
View this post on Instagram
જામનગર શહેરમાં હાલમાં આશરે 15 જેટલી જોખમી અને જર્જરિત ઇમારતો ઓળખવામાં આવી છે. નોટિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં આ તમામ ઇમારતો સામે પણ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં જાહેર સુરક્ષા વધુ મજબૂત બનશે અને ચોમાસા દરમિયાન સંભવિત અકસ્માતોની શક્યતા ઘટાડવામાં મદદ મળશે.


