જામનગર શહેરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં નોકરી કરતાં ત્રણ શખ્સોએ દોઢ વર્ષના સમય દરમ્યાન રૂા. 1,95,420ની કિંમતનો પીત્તળનો ભંગાર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ ચોરીના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસેના કેવલિયા વાડી, શેરી નંબર એકમાં રહેતાં જયેશ કાનજીભાઇ ડાંગરિયા (ઉ.વ.44) નામના વેપારી યુવાનનો શંકર ટેકરી, ઉદ્યોગનગર, શેડ નંબર 23/1-એમાં આવેલા ગોપીનાથ મેટલ્સ ગોડાઉનમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહેલા લાલો જાડેજા, સલીમ અને સિકંદર નામના ત્રણ શખ્સોએ છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન કારખાનામાં કામ કરવાના દિવસના સમય દરમ્યાન કારખાનેદારની નજર ચૂકવી ચોરી છૂપીથી રૂા. 1,95,420ની કિંમતનો 9771 કિલો પીત્તળનો ભંગાર ચોરી કરી ગયા હતા. આ અંગેની જાણ થતાં વેપારીએ તેના જ કારખાનામાં કામ કરતાં ત્રણ કર્મચારીઓ વિરૂદ્ધ પીત્તળના ભંગાર ચોરીની સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


