કાલાવડ ગામમાં શિતલા કોલોનીમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર તેના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં ગ્રામ્ય ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
આ આત્મહત્યાના બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં રેસ્ટ હાઉસ પાછળ આવેલી શિતલા કોલોની વિસ્તારમાં રહેતી પૂજાબેન અનિલભાઇ ઠાકોર (ઉ.વ.23) નામની યુવતીએ શુક્રવારે બપોરના બે વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધીના સમય દરમ્યાન તેણીના ઘરે કોઇ અગમ્ય કારણોસર રૂમની છતના હૂકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ સાંજે ઘરે પરત ફરેલા મૃતકના પતિ અનિલભાઇ ઠાકોર દ્વારા જાણ કરાતા હે.કો. વી. એન. જાડેજા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આ બનાવમાં મૃતકના લગ્નગાળાનો સમય ઓછો હોય જેથી ગ્રામ્ય ડીવાયએસપી પીયૂષ વાંદા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી.


