જામનગર શહેર નજીક લાલપુર બાયપાસથી પવન ચકકી રોડ ઉપર પસાર થતાં વૃદ્ધાને પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહનચાલકે હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચવાથી વૃદ્ધાનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના રકા ગામના વતની અને હાલ જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલા ઝુપડપટ્ટીમાં રહેતાં બચુબેન દેવાભાઇ માણદરિયા નામના વૃદ્ધા ગત્ તા. 16ના રોજ સવારના સમયે લાલપુર બાયપાસથી પવન ચકકી રોડ ઉપર જતા હતા ત્યારે મારવાડીવાસના ઢાળિયા સામે પહોંચ્યા તે સમયે પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહનચાલકે વૃદ્ધાને ઠોકર મારી હડફેટ લેતાં વૃદ્ધાને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું બુધવારે સાંજના સમયે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર ગોગનભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા વાહનચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


