જામનગર શહેરમાં જૂના અને જર્જરિત બાંધકામને તોડી પાડવાની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના ગીતામંદિર પાસે આવેલી મહાવીર સોસાયટીમાં એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ મજૂરો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક મજૂરનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મજૂરો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ગીતા મંદિર નજીક મહાવીર સોસાયટી વિસ્તારમાં જૂના બાંધકામને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મકાનની જર્જરિત દીવાલ અચાનક તૂટી પડતાં કામ કરી રહેલા ત્રણ મજૂરો તેની નીચે દટાયા હતા. દીવાલ ધરાશાયી થવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
View this post on Instagram
આ દુર્ઘટનામાં સુનીલભાઈ, કારૂભાઈ અને જતીનભાઈ નામના ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ગંભીર રીતે ઘાયલ થયેલા સુનીલભાઈ નામના મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઘાયલ મજૂરો કારૂભાઈ અને જતીનભાઈને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જૂના બાંધકામને તોડી પાડવાની કામગીરી દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એક મજૂરના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


