સલાયામાં મરીન પોલીસ અને પીજીવીસીએલ ખંભાળિયા દ્વારા આજરોજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસપી જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન 25 ગેરકાયદેસર વીજજોડાણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
વીજચોરી કરનારાઓને કુલ 9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીને કારણે સલાયા વિસ્તારમાં વીજચોરી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો પોતાના ઘરને તાળા લગાવીને નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા સામૂહિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સલાયા વિસ્તારમાંથી વીજચોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. આ કામગીરીમાં સલાયા મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ. ચાવડા, સ્ટાફના ઓમદેવસિંહ જાડેજા અને અન્ય સ્ટાફ જોડાયા હતા. પીજીવીસીએલ તરફથી સર્કલ ઓફિસર નકુમ સાહેબ અને તેમનો સ્ટાફ પણ આ અભિયાનમાં સામેલ હતો.


