ભાણવડ શહેરમાં છેલ્લા દશેક દિવસથી અવાર-નવાર વિજળી ગુલ થતાં વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ અંગે કાયમી ઉકેલ લાવવાની માંગણી થઇ રહી છે.
ભાણવડ શહેરમાં છેલ્લા 10 દિવસથી વારંવાર વિજળી ગુલ થવાની સમસ્યા સર્જાઇ રહી છે. દિવસ દરમિયાન વારંવાર વિજ પુરવઠો ખોરવાઇ છે અને દરેક વખતે અંદાજીત 20 થી 25 મીનીટ સુધી લાઇટો બંધ રહેતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના પરિણામે લોકોમાં ભારે આક્રોશ છવાયો છે. એક તરફ તંત્ર દ્વારા હિટવેવથી બચવા લોકોને ઘરમાં રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરાઇ છે. તો બીજી તરફ પીજીવીસીએલ દ્વારા વારંવાર વિજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને વિજળી ગુલ થતાં બાળકો વૃઘ્ધો અને દર્દીઓને અસહ્ય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી વિજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને નિયમીત વિજ પુરવઠો આપવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


